શરીરના રાસ પ્રોટિનમાં ફેરફારો કેન્સર પાછળનું મોટું પરિબળ
વડોદરાઃ શરીરમાં રહેલા રાસ નામના પ્રોટિનમાં થતા ચોક્કસ પ્રકારના પરિવર્તન કેન્સર થવા માટે જવાબદાર છે તેવું કહી શકાય.અમેરિકામાં દર વર્ષે તેના કારણે અઢી લાખ લોકોને બ્રેઈન, બ્રેસ્ટ, ગાયનેક, સ્કિન, ચેસ્ટ, પેટના અલગ અલગ પ્રકારના કેન્સર થાય છે.અમે ઉટાહ યુનિવર્સિટીમાં રાસ પ્રોટિનમાં થતા ફેરફારો પર જ સંશોધન કરી રહ્યા છે અને તેના આધારે પેન્ક્રિયાસ, ફેફસા અને સ્કિન કેન્સરની વધારે એડવાન્સ દવા વિકસાવવા માટે લેબોરેટરીમાં કરેલા પ્રયત્નોને સફળતા મળી રહી છે તેમ અમેરિકાની યુટાહ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનના કેન્સર બાયોલોજીના પ્રોફેસર ડો.માર્ટિન મેકમેહોને કહ્યું હતું.
ડો.મેકમેહોન આજે વડોદરાની નવરચના યુનિવિર્સિટીમાં ડો.વી વી મોદી એન્ડોવમેન્ટ ફંડ હેઠળ લેકચર આપવા માટે આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, કેન્સરની સારવાર કરતા કેન્સર ના થાય તેની તકેદારી રાખવી અથવા તો કેન્સરનું વહેલી તકે નિદાન થાય તે વધારે મહત્વનું છે . કોલોન( આંતરડા) કેન્સર, બ્રેસ્ટ( સ્તન) કેન્સર, સર્વાઈકલ( ગર્ભાશય) કેન્સર જેવા કેન્સર થવાની શક્યતા છે કે નહીં તે હવે જિનેટિક ટેસ્ટિંગ દ્વારા જાણી શકાય છે.અમેરિકામાં આ પ્રકારના ટેસ્ટિંગનુ ચલણ વધી રહ્યું છે. કેટલાક પ્રકારના બ્લડ ટેસ્ટ પણ કેન્સરના નિદાન માટે કરવામાં આવે છે.સર્વાઈકલ અને લિવર કેન્સરની સામે તકેદારીના ભાગરુપે એચપીવી પ્રકારના વાયરસ અને હિપેટાઈટિસ બી પ્રકારના વાયરસની વેક્સિન પણ લઈ શકાય છે.અન્ય કેટલાક પ્રકારના કેન્સરનું વહેલું નિદાન પણ શક્ય છે અને તેના કારણે દર્દીને સમયસર સારવાર આપીને કેન્સરથી મુકત કરી શકાય છે.કેન્સરની સારવામાં કેટલાક પડકારો પણ છે.જેમ કે ગ્લિઓબ્લાસ્ટોમા પ્રકારના બ્રેઈન કેન્સર અને પેન્ક્રિયાસ કેન્સરનું વહેલી તકે નિદાન કરવું હજી પણ મુશ્કેલ છે અને માટે જ આ પ્રકારના કેન્સરને સાયલન્ટ કિલર ગણવામાં આવે છે.તેના લક્ષણો પણ વહેલી તકે ઓળખી શકાતા નથી.પેન્ક્રિયાસ કેન્સરના ૮૦ ટકા કિસ્સાઓમાં નિદાન કરવામાં મોડું થઈ જતું હોય છે.ડો.મેકમેહોનનું કહેવું હતું કે, એક સારી વાત એ પણ છે કે,અમેરિકામાં પહેલા ફેફસાના કેન્સરનું પ્રમાણ વધારે હતું પરંતુ હવે ધુમ્રપાન કરનારાઓની સંખ્યામાં ઘટાડો થવાના કારણે ફેફસાના કેન્સરના દર્દીઓમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેન્સર રિસર્ચમાં એઆઈની એન્ટ્રી પણ લેબોરેટરીમાં પ્રયોગોનું મહત્વ નહીંં ઘટે
તેમણે કહ્યું હતું કે, કેન્સરના અને તેની દવાઓના સંશોધન માટે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ થવા માડયો છે.આમ છતા લેબોરેટરીમાં થતા પરીક્ષણોનું મહત્વ એટલું જ છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જે મોડેલ તૈયાર થાય છે તેને સીધું ક્લિનિકલ ટ્રાયલ માટે લાગુ ના કરી શકાય.કોઈ પણ દવાની ક્લિનિકલ ટ્રાયલ પહેલા તો લેબોરેટરીમાં કરેલા પરીક્ષણોના આધારે જે તારણો સામે આવે તેને જ ધ્યાનમાં લેવા પડે છે.
રાસ પ્રોટિન શું છે
રાસ પ્રોટિન શરીરમાં મોલેક્યુલર સ્વીચ છે.જે શરીરમાં સેલના વિકાસ, પ્રસાર અને એક હિસ્સામાંથી બીજા હિસ્સામાં સેલના સ્થળાંતર પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે.રાસ પ્રોટિનના જિન્સમાં જ્યારે કોઈ ફેરફાર થાય ત્યારે તે સતત સક્રિય રહે છે અને તેના પરિણામે કેન્સર અને બીજા સાયકિયાટ્રિક રોગ થતા હોય છે.
સરકારે કેન્સરની દવા બનાવતી કંપનીઓ સાથે વાટાઘાટો કરવી જોઈએ
કેન્સરની ખર્ચાળ સારવાર ભવિષ્યમાં સસ્તી થશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં પણ કેન્સરની કેટલીક સારવાર લોકોને મોંઘી પડે છે.ભારત જેવા દેશમાં તો સરકારોએ સીધી દવા કંપનીઓ સાથે વાટાઘાટો કરીને કેન્સરની સસ્તી દવા માર્કેટમાં ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.
કેન્સરગ્રસ્ત સેલ પણ દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા કેળવી રહ્યા છે
ડો.મેકમેહોનના જણાવ્યા અનુસાર અન્ય રોગોની જેમ હવે કેન્સર ગ્રસ્ત સેલ પણ કેન્સરની દવાઓની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવી લેતા હોય છે.જેના કારણે દર્દીઓની સારવાર માટે વધારે એડવાન્સ દવાનો ઉપયોગ કરવો પડે છે.દવા કંપનીઓ માટે પણ એક નવો પડકાર ઉભો થયો છે.કંપનીઓ વર્ષોના સંશોધન બાદ કેન્સરની નવી દવા બજારમાં મૂકે છે ત્યાં સુધીમાં કેન્સરના સેલ તેની સામે પ્રતિરોધક ક્ષમતા વિકસાવી ચૂકયા હોય તેવી શક્યતાઓ વધી રહી છે.