તાલાલાથી ઉપડતી તમામ ટ્રેનોના સમયમાં ફેરફારથી વિરોધ વંટોળ
12 તાલુકાની ગ્રામીણ પ્રજાના પ્રાણપ્રશ્ને આવેદનપત્ર : તાલાલાથી વિસાવદર, દેલવાડા, અમરેલી, જૂનાગઢ જતી ટ્રેનોમાં 50 વર્ષમાં એક પણ સિંહ કપાયો નહીં હોવા છતાં તઘલખી નિર્ણય લેવાતાં રોષ
તાલાલા ગીર, : ગીરના પાટનગર તાલાલા શહેરથી ઉપડતી તમામ મીટરગેજ ટ્રેનોનું સમયપત્રક સિંહોની સલામતી માટે બદલવું હળાહળ અન્યાયકારક હોવાના વિરોધ સાથે તાલાલા ગીરથી ઉપડતી મીટરગેજ ટ્રેનોનું સમયપત્રક યથાવત રાખવાની માંગણી ઉઠાવીને તાલાલા ચેમ્બર ઓફ કોમર્સે આવેદનપત્ર આપ્યું છે.
તાલાલા રેલવે સ્ટેશન અધિકારી મારફત ભાવનગર રેલવે મંડળને મોકલેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાલાલા ગીરથી વિસાવદર, દેલવાડા, અમરેલી, જૂનાગઢ જતી મીટરગેજ ટ્રેનમાં છેલ્લા 50 વર્ષમાં એક પણ સિંહ કપાયો નથી. અત્યાર સુધીમાં જે કાંઈ સિંહો કપાયા છે તે બ્રોડગેજ લાઈનમાં કપાયા છે છતાં પણ ત્યાં ફેરફાર કરવાના બદલે મીટરગેજ ટ્રેનની સ્પીડ ગીર વિસ્તારમાં 30 કિ.મી કરી અગાઉ પણ અન્યાય કરવામાં આવ્યો છે. તાલાલા ગીરથી ઉપડતી ટ્રેનો ત્રણ જિલ્લાના 12 તાલુકાની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે તેમજ આ ટ્રેનો નીચે ક્યારે પણ સિંહ કપાયા નથી, તે ધ્યાને લઈ તમામ મીટરગેજ ટ્રેનોનું સમયપત્રક યથાવત રાખવા તાલાલા ચેમ્બર ઓફ કોમર્સે આવેદનપત્રમાં માંગણી કરી છે.