ધનુર્માસનો પ્રારંભ: ડાકોર મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર
Dakor Temple: ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. હવે ભગવાન રણછોડજીની મંગળા આરતીના દર્શનનો લાભ હવે ભક્તોને સવારે 06:15 કલાકે મળશે. ધનુર્માસનો પ્રારંભ થયો હોવાથી સવારે 6:45 વાગે યોજાતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.
રણછોડરાયજીને વિશેષ ભોગ ધરાશે
સોમવાર(16મી ડિસેમ્બર)થી પવિત્ર ધનુર્માસનો પ્રારંભ થયો છે. આ સાથે જ ભગવાન રણછોડજીને આ માસમાં રોજ વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે. જેમાં સવારે વહેલા ભગવાનને ધનુર્માસની ખીચડી ધરાવવામાં આવશે. આ મહિનામાં યાત્રાધામ ડાકોરમાં ખીચડીનું વિશેષ મહત્ત્વ જોવા અને માણવા મળે છે. આ ઉપરાંત ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક પણ ધરાવવામાં આવશે.
ડાકોરમાં પૂનમે દર્શન માટે માનવસાગર ઉમટ્યો
યાત્રાધામ ડાકોરમાં માગસર પૂનમે રણછોડરાયજીના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું હતું. ગત રાતે ત્રણ વાગ્યે કડકડતી ઠંડીમાં પણ દર્શનાર્થીઓ લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા. પરોઢિયે મંગળા આરતીથી લઈને રાતે સુખડીભોગ દર્શન સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.