Get The App

સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, ગરીબ-શ્રમિક બાળકોનું અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતું થયું

Updated: Apr 3rd, 2025

GS TEAM


Google News
Google News
સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, ગરીબ-શ્રમિક બાળકોનું અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતું થયું 1 - image


Surat News: સુરત પાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં 33,386 બાળકો કુપોષિત-અતિ કુપોષિત બાળકો હોવાનું બહાર આવ્યું છે. પાલિકા દ્વારા આવા બાળકો માટે ખાસ દૂધની વ્યવસ્થા ઊભી કરાઈ છે ,ત્યારે આ બાળકોના કુપોષણ દૂર કરવા માટેની સામગ્રી બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે. કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં આંગણવાડીમાં અપાતી ચણાની દાળ દુકાનમાં વેચાતી હોવાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું છે. જોકે, આ પ્રકારનું કૌભાંડ બીજી કોઈ જગ્યાએ ચાલી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવા માટેની માંગણી પણ થઈ રહી છે. 

સુરતમાં ચાલતી આંગણવાડીમાં 33,386 કુપોષિત અને અતિકુપોષિત બાળકો છે તે આંકડા સામે આવ્યા છે. જેને પગલે બાળકોની પરિસ્થિતિ દયનીય હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ બાળકોના કુપોષણ દૂર કરવા માટેની કવાયત થઈ રહી છે ત્યારે કતારગામ વિસ્તારની આંગણવાડીમાં બનેલી એક ઘટનાએ તંત્રને વિચારતા કરી દીધું છે.

આ પણ વાંચો: તમારૂ મોઢું જોવાનો શોખ નથી, 'આંગળી નીચે મુકો': નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી

હાલમાં સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો અને ધાત્રી માતાના પોષણ માટે આંગણવાડી થકી ચણાની દાળથી માંડીને અલગ-અલગ ખાદ્ય સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ દાળ કુપોષિત બાળકોના ઘરના બદલે બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે. 

સુરતના કતારગામ ગોટાલાવાડી આંગણવાડીમાં ચણાની દાળના પેકેટનું વિતરણ કરવામા આવી રહ્યું છે ત્યારે આંગણવાડીની નજીકની એક દુકાનમાં આ ચણાની દાળનું પેકેટ 50 રૂપિયામાં વેચાતું હતું. આ દુકાનમાં ખરીદી કરવા આવેલી મહિલાએ દાળનું પેકેટ ખરીદ્યા બાદ આંગણવાડીની દાળ હોવાનું જાણતા તેઓએ પરિવારને જાણ કરતાં મેયર સહિત પાલિકા તંત્રને ફરિયાદ કરતાં તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક તપાસ હાથ ધરતાં લાભાર્થીઓ દ્વારા જ ચણાની દાળના પેકેટનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ પેકેટ કઈ રીતે દુકાનમાં પહોંચ્યું તે તપાસનો વિષય છે. આવી જ ગેરરીતિ અન્ય જગ્યાએ થાય છે કેમ તેની તપાસ કરવા માટે માંગણી થઈ રહી છે.

Tags :