લોક કલા,નૃત્ય અને સંગીતના સથવારે ભૂતકાળ જીવંત થશે, નવ ડિસેમ્બરે ચાંપાનેર ફેસ્ટિવલનુ આયોજન
વડોદરા, તા. 05 ડિસેમ્બર 2023, મંગળવાર
વડોદરા નજીક હાલોલ પાસેના ચાંપાનેરનો ભવ્ય ભૂતકાળ સંગીત અને લોકકલાના માધ્યમથી જીવંત થશે. ચાંપાનેર ખાતે નવ ડિસેમ્બરે ચાંપાનેર ફેસ્ટિવલનુ આયોજન કરાયુ છે. જેમાં દેશભરના 120 જેટલા કલાકારો ભાગ લેવાના છે.
આ ફેસ્ટિવલનુ આયોજન કરનાર સ્વયંસેવી સંસ્થા ક્રાફટ ઓફ આર્ટના બીરવા કુરેશીએ પત્રકારો સાથે વાતચીતમાં જાણકારી આપતા કહ્યુ હતુ કે, છેલ્લા 14 વર્ષથી સંસ્થા દ્વારા ઐતહાસિક સ્થળો પર આ પ્રકારની ઈવેન્ટનુ આયોજન થાય છે. આ વર્ષે અમને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરેલા ચાંપાનેરની ઐતહાસિક ઈમારતો ખાતે ઈવેન્ટ યોજાવાનો મોકો મળ્યો છે. જેના ભાગરુપે 9 ડિસેમ્બરે બપોરે 3 થી પાંચ દરમિયાન ચાંપાનેરની એક મિનાર મસ્જિદ ખાતે ભવાઈ, સકર ખાનના મકબરા ખાતે રાવણહથ્થાના વાદનનો તેમજ ભદ્રના દક્ષિણ દરવાજા ખાતે પપેટ પેરનુ આયોજન કરાયુ છે. સાથે સાથે આ સમયગાળમાં ચાંપાનેર સિટાડેલ ખાતે નગારા વાદન, આદિવાસી લોકનૃત્ય, પીઠોરા કળાનુ પ્રદર્શન, ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ યોજાશે.
તેમણે કહ્યુ હતુ કે, સાંજે પાંચથી 6-30 દરમિયાન સહેર કી મસ્જિદ ખાતે સુફી અને લોક સંગીત તથા દાસ્તાને ચાંપાનેર ઈવેન્ટ યોજાશે. જયારે સાંજે 7-30 વાગ્યાથી જામા મસ્જિદ ખાતે વર્લ્ડ મ્યુઝિક કોન્સર્ટનુ આયોજન કરાયુ છે. જેમાં નિલાદ્રી કુમાર, અમેરિકન સેક્સોફોન આર્ટિસ્ટ જ્યોર્જ બ્રૂક્સ, તબલા વાદક ફઝલ કુરેશી, ડ્રમર દર્શન દોશી સહિતના દિગ્ગજ કલાકારો પોતાની કલાનુ પ્રદર્શન કરશે.
આ ફેસ્ટિવલ માટે કોઈ જાતની ફી રાખવામાં આવી નથી પણ સહેર કી મસ્જિદ અને જામા મસ્જિદ ખાતે યોજાનારી ઈવેન્ટ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવનારાને જ તેમાં એન્ટ્રી મળશે.