આજથી ચૈત્રી નવરાત્રિ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે
Chaitri Navratri 2025 : આજથી ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ચૈત્રિ નવરાત્રિનો પણ પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઇ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.
ઘટ સ્થાપન માટે સવારે 8:10થી 9:50, સવારે 11:50થી 12:45નું મુહૂર્ત : પાંચ એપ્રિલે દુર્ગાષ્ટમી
ચેત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે સૂર્યોદય વ્યાપીની એકમ તીથિ 12:50 સુધી છે અને સાંજે 5:54થી વૈઘુતિ યોગ શરૂ થાય છે. ઘટ સ્થાપનનો સમય આજે સવારે 8:10થી 9:50 અને સવારે 11:50થી બપોરે 12:45 છે. શક્તિપીઠ અંબાજીમાં આજે ઘટસ્થાપનનો સમય સવારે 9:15ના છે. આ વર્ષે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે. ચૈત્ર સુદ આઠમ આગામી પાંચ એપ્રિલ-શનિવારના છે જ્યારે 6 એપ્રિલના ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહૂતિ થશે.
આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજી અને પાવાગઢ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, નોંધી લો સમય
હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રિ પરમ શુભદાયી, ફળદાયી, પવિત્ર અવસર છે.
શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. આમ, સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધાળુઓ શક્તિની આરાધના કરવા ઇચ્છતા હોય તેમણે નવરાત્રિના ઉપવાસ રાખીને માતાજીની આરાધના કરવી જોઇએ.