Get The App

શહેરમાં ચૈત્રી દનૈયા તપ્યા, ગરમીનો પારો 41.2 ડિગ્રી

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
શહેરમાં ચૈત્રી દનૈયા તપ્યા, ગરમીનો પારો 41.2 ડિગ્રી 1 - image


- તાપમાન 2.8 ડિગ્રી ઉંચકાતા બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ

- 22 કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાયો, મોડી સાંજે ઉકળાટનો અનુભવ

ભાવનગર : ચૈત્રી દનૈયા શરૂ થયાના પ્રથમ દિવસે આકાશમાંથી આકરો તાપ વરસતા શહેરીજનો કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયા હતા. બપોરે દાહક ગરમીના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જ્યારે પંખામાંથી પણ ગરમ હવા ફેંકાતા બપોરનો સમય પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. બપોરના આકરા તાપના કારણે મોડી સાંજે પણ ઉકળાટનો અનુભવ થયો હતો.

આગામી ચોમાસાની ઋતુનો વરતાર કરતા ચૈત્રી દનૈયાનો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ દિવસથી જ ચૈત્રી દનૈયા તપવા લાગ્યા હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં જ ગરમીનો પારો ૨.૮ ડિગ્રી ઉંચકાઈને ૪૧.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગરમીમાં નોંધપાત્ર થયેલા વધારાના પગલે બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતો હોય, રસ્તાઓ ઉપર વાહનોની ચહલ-પહલ ઘટી ગઈ હતી. લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું. વાતાવરણમાં ૪૧ ટકા ભેજ વચ્ચે ૨૨ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાતા વૃદ્ધો, મહિલાઓ, બાળકો, બીમાર વ્યક્તિઓની હાલત કફોડી બની હતી. સૂર્યાસ્ત બાદ પણ ગરમીની અસર વર્તાઈ હોય તેમ ઘરની દિવાલોમાંથી ગરમ લૂ ફૂંકાતી હોવાનો અનુભવ થયો હતો. જેના કારણે ઉકળાટથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા હતા. રાત્રે પણ ગરમીનું પ્રમાણ વધતા લઘુતમ તાપમાનનો પારો ૦.૩ ડિગ્રી વધીને ૨૪.૪ ડિગ્રી નોંધાયું હતું.

10 દિવસમાં 4 વખત તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું

શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં ગરમીમાં વધઘટ વચ્ચે ચાર વખત મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર નોંધાયું છે. ગત ૯મી એપ્રિલે મહત્તમ તાપમાન ૪૧.૨, ૧૪મી એપ્રિલે સિઝનનું હાઈએસ્ટ ૪૨.૨, ૧૫મીએ ૪૦.૯ અને આજે ૧૮મી એપ્રિલે ગરમીનો પારો ૪૧.૨ ડિગ્રીને આંબી ગયો છે.

Tags :