ચોટીલામાં રવી કૃષિ મહોત્સવમાં ખુરશીઓ ખાલી રહી
- ખેડૂતોની પાંખી હાજરી
- ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ગેરહાજર : મહોત્સવમાં ખેડૂતો નિરૂત્સાહ
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે ચોટીલા એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષી મહોત્સવમાં રાજકીય આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી તેમજ ખેડૂતોની પણ પાંખી હાજરી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં આજથી બે દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. ચોટીલા એપીએમસી ખાતે રવિ કૃષી મહોત્સવના પ્રથમ દિવસે પ્રારંભ સમયે સ્થાનિક ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ગેરહાજર જોવા મળ્યા હતા. જ્યારે સ્ટેજ પર પણ માત્ર સરકારી અધિકારીઓ અને અમુક ભાજપના હોદ્દેદારો અને આગેવાનો નજરે પડયા હતા તેમજ ખેડૂતોને પણ રવિ કૃષી મહોત્સવમાં રસ ન હોય તેમ જોવા મળ્યું હતું. મહોત્સવમાં મોટાભાગની ખુરશીઓ ખાલી રહી હતી. સરકાર દ્વારા એક તરફ રવિ કૃષી મહોત્સવ પાછળ મોટી રકમનો ખર્ચ કરે છે પરંતુ ચોટીલા તાલુકામાં રવિ કૃષી મહોત્સવના પ્રથમ દિવસે અને પ્રારંભમાં જ રાજકીય આગેવાનો સહિત ખેડૂતો હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.