વાઘોડિયા - ડભોઇ રીંગ રોડ પર વૃદ્ધાના ગળામાંથી અછોડો તૂટયો
વૃદ્ધા સવારે ઘર નજીક આવેલા પાર્લર પર દૂધ લેવા ચાલતા નીકળ્યા હતા
વડોદરા,વાઘોડિયા - ડભોઇ રીંગ રોડ પર વૃદ્ધાના ગળામાંથી સોનાની દોઢ તોલા વજનની ચેન તોડીને બાઇક સવાર બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે કપુરાઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા - ડભોઇ રીંગ રોડ પર પ્રાર્થના ટેનામેન્ટમાં રહેતા ૬૮ વર્ષના પુષ્પાબેન હનુમાનભાઇ પટેલ ગઇકાલે સવારે સવા છ વાગ્યે ઘરેથી ચાલતા નીકળી ઘરની નજીક આવેલા દૂધ પાર્લર પર દૂધ લેવા જતા હતા. તેમની સોસાયટીના પાછળના ભાગે કુબેરેશ્વર તરફ જવાના રોડ પર બે આરોપીઓ પાછળથી કાળા કલરની બાઇક લઇને આવ્યા હતા. બાઇક ચાલકે તેમના ગળામાંથી સોનાની ચેન તોડી લીધી હતી. ત્યારબાદ બાઇક સવાર આરોપીઓ કુબેરેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રોડ પર ભાગી ગયા હતા. પુષ્પાબેને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ, બાઇક સવાર આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બાઇક ચાલકે ખાખી કલરનું સ્વેટર પહેર્યુ હતું. તેમજ મોંઢા પર કાળા કલરનો રૃમાલ બાંધ્યો હતો. બાઇક સવાર આરોપીઓ દોઢ તોલા વજનની ૧.૩૫ લાખની કિંમતની સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે બાઇક સવાર અછોડા તોડની શોધખોળ શરૃ કરી છે.