બસ ડેપો પર ઉભેલી સિનિયર સિટિઝન મહિલાનો અછોડો લૂંટનાર ગઠિયો પકડાયો
વડોદરા બસ ડેપો પર બપોરના સમયે મુસાફરોની ભીડ વચ્ચે એક ગઠિયો સિનિયર સિટિઝન મહિલાનો અછોડો લૂંટીને ફરાર થયેલા ગઠિયાને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.
દિવાળીપુરાની માનવ મંદિર સોસાયટીમાં રહેતા ક્રિષ્ણાબેન પરમાર ગઇ તા.૨૩મીએ બપોરે પતિ સાથે આણંદ જવા માટે બસ ડેપો પર ગયા હતા.જે દરમિયાન પ્લેટફોર્મ નં.૧૦ પર એક બસ આવતાં પતિ બોર્ડ વાંચવા ગયા હતા અને તે દરમિયાન એક ગઠિયો તેમના ગળામાંથી એક તોલાની ચેન લૂંટી ફરાર થઇ ગયો હતો.
આ બનાવ અંગે સયાજીગંજના પીઆઇ ઝેડએન ધાસુરા અને ટીમે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને ગઠિયાની ઓળખ કર્યા બાદ તેને ઝડપી પાડયો છે.પકડાયેલા આરોપીનું નામ વિશાલ વસંતભાઇ પટેલ (હાલ રહે.સ્વાદ ક્વાટર્સ,ન્યુ વીઆઇપી રોડ,મૂળ રહે.અમિયાપુરા ગામ,બાયડ, અરવલ્લી)ને ઝડપી પાડી સ્કૂટરની ડિકિમાંથી અછોડો,રોકડા રૃ.૧૩ હજાર અને મોબાઇલ કબજે કર્યા હતા.