MBAની વિદ્યાર્થિનીના ગળામાંથી સોનાની ચેનની થયેલી તફડંચી
મોંઢા પર કાળો રૃમાલ બાંધેલ બંને બાઇક સવારો લૂંટ કરી ફરાર
વડોદરા, તા.28 વાઘોડિયારોડ પર રાત્રે વોકિંગ માટે નીકળેલી એમબીએની વિદ્યાર્થિનીના ગળામાંથી રૃા.૮૦ હજારની કિંમતની સોનાની ચેન આંચકી બે બાઇકસવારો ફરાર થઇ ગયા હતાં.
અંકલેશ્વરના હાંસોટરોડ પર શરણમ બંગ્લોઝની મૂળ રહીશ પરંતુ હાલ વાઘોડિયારોડ વૃંદાવન ચાર રસ્તા પાસે મેઘદૂત સોસાયટીમાં સહેલીઓ સાથે રહેતી ચૈતાલી સંદિપકુમાર આમલીકરે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પારૃલ યુનિવર્સિટીમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. તા.૨૭ની રાત્રે સવા નવ વાગે હું ઘેરથી નીકળી વૃંદાવન ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ વોકિંગ કરવા માટે નીકળી હતી.
આ રોડ પર હડકાઇ માતાના મંદિરની સામેથી પસાર થતી વખતે પાછળથી એક બાઇક પર બે યુવાનો આવ્યા હતાં અને મારા ગળામાં પહેરેલ રૃા.૮૦ હજાર કિંમતની સવા તોલા વજનની પેંડલવાળી સોનાની ચેન પાછળથી આંચકી બંને શખ્સો બાઇક લઇને વાઘોડિયા ચોકડી તરફ ફરાર થઇ ગયા હતાં. મેં બૂમાબૂમ કરતાં લોકો ભેગા થયા પરંતુ બંને અછોડાતોડ રાત્રિના અંધારામાં ભાગવામાં સફળ રહ્યા હતાં. બાઇક પર પાછળ બેસેલ શખ્સે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું જ્યારે બંનેએ મોંઢા પર કાળો રૃમાલ બાંધ્યો હતો.