વડોદરામાં અછોડાતોડ ગેંગ સક્રિય : માત્ર પાંચ મિનિટના ગાળામાં બે મહિલાના અછોડા તૂટ્યા
image : Social media
Vadodara Chain Snatching : વડોદરા શહેરમાં અછોડા તોડ ગેંગ ફરીથી સક્રિય થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ખોડીયાર નગરથી સુપર બેકરી તરફ જવાના રસ્તા પર તથા આજવા રોડ પર માત્ર પાંચ મિનિટના ગાળામાં બે મહિલાના અછોડા તોડીને બાઇક સવાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર પાસે અમરનગર એકમાં રહેતા શોભનાબેન રાજેન્દ્રભાઈ બારીયા ગઈકાલે રાત્રે 8:30 વાગે નાની બહેન કોમલ ચિરાગભાઈ ભાલીયા સાથે ઘરેથી ચાલતા સુપર બેકરી ત્રણ રસ્તા પાસે ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદી કરીને તેઓ ઘર તરફ પરત આવતા હતા તે દરમિયાન પાછળથી એક આરોપી ચાલતો આવી શોભનાબેનના ગળામાંથી સોનાની સાત ગ્રામ વજનની ચેન તોડીને દોડીને આગળ ઊભેલા તેના સાગરીતની બાઈક પર બેસીને સરદાર એસ્ટેટ તરફ ભાગી ગયા હતા. શોભનાબેન અને તેમના બહેન બંને બાઈક સવાર આરોપીઓને પકડવા પાછળ બૂમો પાડીને દોડ્યા હતા. તેમની બૂમો સાંભળીને એક બાઈક સવાર યુવકે અછોડો તોડીને ભાગતા આરોપીઓનો પીછો કર્યો હતો. પરંતુ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે અન્ય એક બનાવવાની વિગત એવી છે કે આજે બારોટની પાછળ રહેલીમાં રહેતા ફાલ્ગુનીબેન પ્રદીપભાઈ પટેલ તથા તેમના પતિ રાત્રે જમીને નવ વાગે ચાલવા માટે નીકળ્યા હતા. એકતાનગર ચાર રસ્તા સુધી ચાલીને તેઓ પરત આવતા હતા તે દરમિયાન વિવેકાનંદ સોસાયટી નજીક પાછળથી કાળા કલરની નંબર પ્લેટ વગરની બાઈક પર બે આરોપીઓ આવ્યા હતા અને બંનેએ કાળા કલર હુડી જેવા જેકેટ પહેર્યા હતા. તેઓ ફાલ્ગુનીબેનના ગળામાંથી સોનાનું દોઢ તોલા વજનનું મંગળસૂત્ર કિંમત રૂપિયા 49000 નું ખૂંચવીને ભાગી ગયા હતા. પતિ પત્નીએ બુમા બુમ કરી હતી પરંતુ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દોઢ તોલા વજનના મંગળસૂત્રની કિંમત હાલમાં સવા લાખ જેટલી થાય પરંતુ પોલીસે તેની કિંમત માત્ર 49000 જ દર્શાવી છે.