ક્રીએટીવ મલ્ટી મીડીયાની ધંધાકીય સ્થળો પર CGSTની તપાસ બીજા દિવસે પણ જારી

કોમ્પ્યુટર્સ તથા ડીસ્ટન્સ લર્નિંગ સાથે સંકળાયેલી સંસ્થાની વરાછા, કતારગામ, અડાજણ તથા ઉત્રાણ ઉપરાંત રાજ્યમાં 20 જેટલી શાખા પર પણ તપાસ

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News


 ક્રીએટીવ મલ્ટી મીડીયાની ધંધાકીય સ્થળો પર CGSTની તપાસ  બીજા દિવસે પણ જારી 1 - image


સુરત

કોમ્પ્યુટર્સ તથા ડીસ્ટન્સ લર્નિંગ  સાથે સંકળાયેલી સંસ્થાની વરાછા, કતારગામ, અડાજણ તથા ઉત્રાણ ઉપરાંત રાજ્યમાં 20 જેટલી શાખા પર પણ તપાસ

        

સુરતના કતારગામ,અડાજણ,વરાછા તથા ઉત્રાણ વિસ્તારો સહિત રાજ્યમાં 20 જેટલી શાખા ધરાવતી ક્રીએટીવ મલ્ટી મીડીયા એન્ડ ડીઝાઈન ઈન્સ્ટીટયુટના ધંધાકીય સ્થળો પર ગઈકાલે સીજીએસટી વિભાગની ટીમે પાડેલા દરોડા આજે સતત બીજા દિવસે પણ જારી રાખવામાં આવ્યા છે.

સીજીએસટી વિભાગની ટીમે ગઈકાલે સુરતના કતારગામ તથા વરાછા ખાતે મુખ્ય ઓફીસ ધરાવતી કોમ્પ્યુટર્સ તથા ડીસ્ટન્સ લર્નિંગ સાથે સંકળાયેલી ક્રિએટીવ મલ્ટી મીડીયા એન્ડ ડીઝાઈનના ધંધાકીય સ્થળો પર હાથ ધરેલી તપાસ આજે બીજા દિવસે પણ જારી રહી છે.અત્રે નોંધનીય છે કે સવા વર્ષ પહેલાં આ જ સંસ્થાની પ્રિમાઈસીસમાં હાથ ધરેલી તપાસ દરમિયાન તેનું કુલ ટર્ન ઓવર ત્રણ કરોડ જેટલું હોવાનું બહાર આવ્યું હતુ.અલબત્ત ત્યારબાદ

સેન્ટરનું ટર્ન ઓવરમાં વધારો થવાને બદલે ઘટાડો જોવા મળ્યો હતો.સુત્રોના જણાવ્યા સંસ્થાની બેઠક વ્યવસ્થામાં વધારો થવા સાથે પાંચ નવી ફ્રેન્ચાઈઝી પણ આપી હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યુ હતુ.તદુપરાંત  ડીસ્ટન્સ લર્નિંગના ક્લાસીસ પણ ચાલી રહ્યા હોવાથી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.ટેક્ષ પ્રેકટીશ્નર સી.એ.દિપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સીજીએસટી વિભાગનો આ નવતર પ્રયોગ સફળતા અપાવી શકે તેમ છે.મોટાભાગની પેઢીઓના સંચાલકોની ગણતરી એવી હોય છે કે તાજેતરમાં જ પોતાને ત્યાં તપાસ હાથ ધરાયા બાદ હવે બીજીવાર ટુંકાગાળામાં તપાસ હાથ નહીં જ ધરાય.પરંતુ જો જીએસટી વિભાગની નજરમાં ટુંકાગાળામાં પણ વ્યવહારો શંકાસ્પદ લાગે તો તપાસ થઈ હોય તેવી સંસ્થાને પણ સર્વેના સકંજામાં બીજીવાર લઈ શકાય તેમ છે.

ક્રિએટીવ મલ્ટી મીડીયાના સંચાલકો દ્વારા સંસ્થાના ધંધાનું વિસ્તરણ કરવામાં આવ્યું હોવા છતાં ટર્ન  ઓવરમાં 15 ટકા જેટલું વધવાને બદલે 20 ટકા જેટલું ઘટી ગયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતુ.જેથી કરચોરીની આ નવી મોડસ ઓપરેન્ડીના પગલે માત્ર સવા વર્ષના ગાળામાં જ સીજીએસટી વિભાગે ફરી તપાસ હાથ ધરી છે.જે આજે સતત બીજા દિવસે પણ જારી રહી છે. હાલ વાંધાજનક દસ્તાવેજો ઈલેકટ્રોનિક્સ પુરાવાના ડેટાનું વેરીફિકેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.જેથી આગામી દિવસોમાં મોટા પાયા પર કરચોરી બહાર આવે તેવી સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.


suratGST

Google NewsGoogle News