ડુમ્મસ રોડના સેન્ટ્રલ મોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ. 2.73 લાખની ચોરી

Updated: Nov 3rd, 2021


Google NewsGoogle News
ડુમ્મસ રોડના સેન્ટ્રલ મોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ. 2.73 લાખની ચોરી 1 - image



- પાછળના ડોરનું લોક તોડયું, ચોરી કર્યા બાદ પહેરેલા કપડા કાઢી નવા કપડા પહેર્યાઃ ચોરીનો આંક વધવાની શકયતા

સુરત
ડુમ્મસ રોડ સ્થિત સેન્ટ્રલ મોલમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ સેકન્ડ ફ્લોર સુધીના અલગ-અલગ સ્ટોરમાંથી બ્રાન્ડેડ કપડા, કાંડા ઘડિયાળ વિગેરે મળી કુલ રૂ. 2.73 લાખની મત્તા ચોરીનો કસબ અજમાવ્યો હતો. ચોરી કર્યા બાદ ચોર પહેરેલા કપડા કાઢી નવા કપડા પહેરીને ગયો હોવાનું અને ચોરીનો આંકડો વધવાની શકયતા છે.
ડુમ્મસ રોડ સ્થિત સાંઇ બાબા મંદિરની સામે આવેલા સેન્ટ્રલ મોલમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. મોલના પાછળના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશેલા ચોરે ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ સેકન્ડ ફ્લોર સુધીના અલગ-અલગ સ્ટોરમાંથી બ્રાન્ડેડ કપડા અને કાંડા ઘડિયાળ, મેલ અને ફિમેલ એસેસરીઝ, ટુરીસ્ટ ટ્રોલી બેગ અને લગેજ બેગ વિગેરે મળી કુલ રૂ. 2.73 લાખની ચોરી કરી ભાગી ગયો હતો. સવારે સિક્યુરીટી ગાર્ડ ઓમપ્રકાશ પાંડેએ મેઇન દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો પરંતુ ખુલ્યો ન હતો અને પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી તુરંત જ સ્ટોર મેનેજર રાહુલ કિશોર શિતપુરે (રહે. મેઘના પાર્ક સોસાયટી, સિટીલાઇટ રોડ, વેસુ) ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ દોડી ગઇ હતી અને મોલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રે 1.21 કલાકે એક અજાણ્યો યુવાન ચોરી કરી 3.45 કલાકે પરત જતા નજરે પડયો હતો. ઉલ્લેખનીય છે કે ચોરી કર્યા બાદ પહેરેલા કપડા કાઢી નવા કપડા પહેર્યા હતા અને મોંધીદાટ 10 પૈકી બે ઘડિયાળની જ ચોરી કરી હતી. બીજી તરફ હાલમાં સ્ટોક રજીસ્ટર ચેક કરવામાં આવી રહ્યું છે અને ચોરીનો આંક વધવાની શકયતા છે.

SuratCrime

Google NewsGoogle News