સાળંગપુર-વડતાલમાં ઉજવાયો મોટો રંગોત્સવ, હજારો કિલો કુદરતી રંગોનો કરાયો ઉપયોગ
Celebrations of Dhuleti at Salangpur and Vadtal Swaminarayan Temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો. તેમજ ખેડા જિલ્લાના નડિયાદના વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધુળેટી પર્વને લઈને સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ યોજવામાં આવ્યો. જ્યાં 51 હજાર જેટલા નેચરલ કલર અને 500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ પર આશરે 70થી 80 ફુટ ઉંચાઈએથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો.
10 હજાર કિલો કલરને એર પ્રેશરથી ભક્તો પર છંટકાવ
યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે 10 હજાર કિલો જેટલા કલરને એર પ્રેશરથી ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતા. આ સાથે ઉત્સવમાં 50થી વધારે નાસીક ઢોલના લાવવામાં આવ્યા હતા જેની સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ગુજરાત સહિત 11 દેશના ભક્તોએ રંગોત્સવમાં ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ આ રંગોત્સવમાં ભાગ લીધો હતો.
સાળંગપુર હનુમાનજીના સૌથી મોટા રંગોત્સવનું આકર્ષણ
- 10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો.
- મંદિર પરિસરમાં કલરના 70 થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાયા.
- આ રંગોત્સવ કાર્યક્રમમાં 11થી વધુ દેશના ભક્તો સહભાગી બન્યા
- 100 જેટલી રિબિન બ્લાસ્ટ કરવામાં આવી
- રંગે રંગાયા બાદ ભક્તોએ પરિસરમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી
વડતાલના સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ
ખેડા જિલ્લાના નડિયાદના વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેસુડાની પિચકારીથી હરિભક્તો પર વિવિધ રંગો ઉડાડવામાં આવ્યા હતા. આ દરમિયાન આખું વાતાવરણ રંગોમય બની ગયું હતું. મંદિર પરિસર હરિભક્તો સાથે રંગારંગ ઉત્સવથી રંગીન બની ગયું હતું.
પાંચ હજાર કિલો કલર સાથે કેસુડો અને ગુલાબની પાંખડીઓનો કરાયો ઉપયોગ
સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આજે સવારથી રંગોમય વાતાવરણ જામ્યું હતું. મંદિરમાં સાત પ્રકારના પાંચ હજાર કિલો કલર સાથે કેસુડો અને ગુલાબની પાંખડીઓ પણ હરિભક્તો ઉપર ઉછાળવામાં આવી હતી. આ સાથે મંદિર પરિસરમાં 70થી 80 ફૂટના 250 જેટલા બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. વડતાલ કમિટીના ચેરમેન અને દેવપ્રકાશ સ્વામી અને કોઠારી સંતવલ્લભ સ્વામી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્યામવત્સલ સ્વામીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો ભક્તોએ ધુળેટી પર્વે નિમિત્તે પૂનમે વડતાલમાં ભગવાનના દર્શન માણ્યા હતા.