Get The App

રાજકોટ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં સૂર્યને અર્ધ્ય આપી છઠ પૂજાની ઉજવણી

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
રાજકોટ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં સૂર્યને અર્ધ્ય આપી છઠ પૂજાની ઉજવણી 1 - image


હજારો પરપ્રાંતીયોએ જળાશયો પાસે ઉમટી પડી સૂર્યદેવની પૂજા કરી : ગુજરાતમાં વસતા બિહાર, ઉ.પ્ર., મ.પ્ર. સહિતના લાખો લોકો તહેવાર ઉજવે છે  : કડવા ચોથમાં ચંદ્રની અને છઠમાં સૂર્યની પૂજાનું પૌરાણિક મહત્વ 

રાજકોટ, : દિવાળીના છ દિવસ પછી આજે કારતક સુદ-6ના દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વસતા લાખો પરપ્રાંતીય પરિવારો દ્વારા  ઉત્સાહભેર પરંપરાગત રીતે છઠ પૂજાનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જળાશય પાસે ઉમટી પડીને પ્રાચીન પરંપરા મૂજબ ઉગતા અને આથમતા સૂર્યદેવને અર્ધ્ય આપીને પરિવાર,સંતાનોના સુખ-સમૃધ્ધિની પ્રાર્થના કરી હતી.

છઠ પૂજા એ ખાસ કરીને બિહાર તેમજ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં ખૂબ મહત્વનો તહેવાર મનાય છે. કહે છે કે ત્રેતાયુગમાં સીતાજી અને દ્વાપરયુગમાં દ્રોપદીજીના સમયમાં પણ છઠ પૂજા થતી હતી. પરપ્રાંતીય રાજ્યોમાં કડવા ચોથનું પર્વ પણ પરિવારની સુખ-સમૃધ્ધિ-સ્વાસ્થ્ય માટે ઉજવાય છે અને તેમાં ચંદ્રદેવના દર્શન અને પૂજન થાય છે ત્યારે છઠ પૂજામાં સૂર્યદેવની પુજા થાય છે. આમ આ બન્ને તહેવારો પ્રકૃતિ સાથે જોડાયેલા છે.

રાજકોટમાં પરપ્રાંતીય વસાહતમાં સુશોભન કરાયા હતા. મહિલાઓ સહિત લોકો સજીધજીને આજી ડેમ ખાતે આ પર્વ ઉજવવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જાણે ગંગાઘાટ ઉપર ગંગા આરતી સમયે લોકો એકત્ર થયા હોય તેવું દ્રશ્ય તાદ્દશ થયું હતું. આ વખતે પ્રથમવાર ફાયરબ્રિગેડ દ્વારા આજી ડેમમાં રેસ્ક્યુ બોટ સહિત બચાવ ટીમો તૈનાત કરી હતી. પરપ્રાંતીય પરિવારોએ વાંસની ટોકરી, ફળ,ફૂલ, નારિયેળ, પ્રસાદ વગેરે સાથે ખૂબ ઉત્સાહ અને શ્રધ્ધા સાથે સૂર્યદેવને અર્ધ્ય આપ્યું હતું. 

ભાવનગરમાં બોર તળાવના કાંઠા ઉપર આજે સાંજે સૂર્યનારાયણનું વિધિવિધાન સાથે પૂજન કરીને અર્ધ્ય આપવામાં આવ્યું હતું. પાણીમાં ઉભા રહીને મંત્રોચ્ચાર સાથે શેરડીના સાંઠા, શ્રીફળ, ફૂલ,પ્રસાદીનું અર્ધ્ય અપાયું હતું. સૂર્ય ભગવાનના બહેન છઠ્ઠી મૈયાની પણ પૂજા કરાઈ હતી અને ગીતો ગુંજી ઉઠયા હતા.  ઉપરાંત સૌરાષ્ટ્રમાં અન્યત્ર પણ જ્યાં જ્યાં ઉપરોક્ત રાજ્યોના વતનીઓ વસે છે ત્યાં આ તહેવારને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ તો ગુજરાતના ગામેગામ ખૂબ ધામધૂમથી ઉજવાય છે, નવરાત્રિમાં પશ્ચિમ બંગાળની પરંપરા મૂજબ દુર્ગા મહોત્સવ પણ ઠેરઠેર ઉજવાતો રહે છે. 


Google NewsGoogle News