CCC અને CCC પ્લસ પરીક્ષાનું ત્રણ મહિને પણ રિઝલ્ટ જાહેર ન થતા પ્રમોશન અટકી પડયા
સરકારી સિસ્ટમનો સરકારી બાબુઓને જ કડવો અનુભવ
- બન્ને પરીક્ષા પાસ કરીને સર્ટિફિકેટ રજુ થાય પછી જ પ્રમોશન મળે છેઃ સ્પીપા દ્વારા જુનમાં ઓનલાઇન પરીક્ષા લેવાઇ છતા પરિણામ આવ્યા નથી
સુરત
સરકારી દફતરોમાં ફરજ બજાવતા અધિકારી- કર્મચારીઓને જ સરકારી સિસ્ટમનો જ કડવો અનુભવ થયો છે. બઢતી માટે સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા આપ્યાને ત્રણ મહિના થવા છતા સ્પીપા દ્વારા પરિણામ જાહેર નહીં થતા મોટી સંખ્યામાં પરીક્ષા આપનારા કર્મચારીઓના પ્રમોશન અટકી પડયા છે.
રાજય સરકાર દ્વારા દરેક સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને કોમ્પ્યુટરનું જ્ઞાાન હોય તે માટે સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા ફરજિયાત કરી દેવાઇ છે. આ પરીક્ષા પાસ કરીને સર્ટિફિકેટ રજુ કર્યા બાદ જ સરકારી કચેરીમાં પ્રમોશન આપવામાં આવે છે. આ પરીક્ષા માટે યુનિવર્સિટી, આઇટીઆઇ તેમજ સ્પીપામાં પણ ટ્રેનિગ લઇને પરીક્ષા આપી શકાય છે. ગત જુન મહિનામાં રાજય સરકારના અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર અને વડોદરા આ પાંચ સેન્ટરો પરથી પ્રાદેશિક તાલીમ કેન્દ્ર દ્વારા સીસીસી અને સીસીસી પ્લસની પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષાનું હજુ સુધી પરિણામ જાહેર ના થતા પરીક્ષા આપનારા સરકારી કર્મચારીઓનો પ્રમોશન અટકી ગયા છે.કેટલાક કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે આ પાંચેય સેન્ટરોનું પરિણામ અમદાવાદ ખાતેની લોક પ્રશાસન સંસ્થા ( સ્પીપા ) દ્વારા થતુ હોય છે. આ પરીક્ષામાં ૫૦ માર્કસ પ્રેકટીકલના અને ૫૦ માર્કસ થીયરીના એમ કુલ ૧૦૦ માર્કસની પરીક્ષા યોજાતી હોય છે. જેમાં ૫૦ માર્કસે પાસ થવાનું હોય છે. અને જે ૫૦ માર્કસ સુપરવાઇઝર દ્વારા જે તે સમયે આપવામાં આવતા હોય છે. વળી આ પરીક્ષા ઓનલાઇન લેવાતી હોવાથી પરિણામ ઝડપથી આપવા જોઇએ. પરંતુ આજે ત્રણ મહિના વિતવા છતા પરિણામ જાહેર કરાયુ નથી.
સ્પીપાના અધિકારીઓની ઢીલાશભરી નીતિના કારણે પરિણામ જાહેર ના થતા જેઓ પરીક્ષા આપીને પાસ થઇને સર્ટિફિકેટ રજુ કરીને પ્રમોશનની રાહ જોતા તે તમામ અધિકારી-કર્મચારીઓના પ્રમોશન જ અટકી જતા આવી નીતિ સામે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ કરી રહ્યા છે કે બધુ ઓનલાઇન હોવાછતા શા માટે પરિણામ જાહેર કરવામાં આવતા નથી ? તેની તપાસ થવી જોઇએ.