CBIની ટીમ જેમના ઘરે પહોચી છે એ ઓફિસર કે રાજેશ કોણ છે?
અમદાવાદ,તા. 20 મે 2022,શુક્રવાર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)ની એક ટીમે ગુજરાત કેડરના IAS ઓફિસર કે.રાજેશના નિવાસસ્થાને ગાંધીનગરમાં અને તેમના મૂળ વતન આંધ્ર પ્રદેશમાં દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કે રાજેશ અને વિવાદને જુનો સંબંધ છે અને તેમની સામે ભૂતકાળમાં થયેલા આક્ષેપોની ગુજરાત સરકારની એક ઉચ્ચસ્તરીય ટીમ તપાસ પણ ચલાવી રહી હતી.
કે રાજેશ 2010 બેચના ગુજરાત ખાતેના IAS ઓફિસર છે. મૂળ આંધ્ર પ્રદેશમાં જન્મેલા રાજેશે પોંડીચેરી સેન્ટ્રલ યુનિવર્સીટીમાંથી ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનીક્સમાં એન્જીનીયરીંગ કર્યું છે અને એ જયારે UPSC પાસ કરી ત્યારે દેશમાં 103માં ક્રમે હતા. વર્ષ 2013માં તેમનું પહેલું પોસ્ટીંગ જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે અને પછી સુરતમાં આ જ પદ ઉપર હતા. આ પછી સુરત જીલ્લા વિકાસ અધિકારી અને પછી સુરેન્દ્રનગર કલેકટર હતા.
સુરેન્દ્રનગર કલેકટર તરીકેની કામગીરીમાં એમણે એક જંગી જમીન કૌભાંડ પકડ્યું હતું. ચોટીલા ખાતે એક જમીન કૌભાંડમાં ત્રણ સરકારી ઓફિસર સામે તેમણે ફરિયાદ કરી હતી. આ કૌભાંડમાં જમીનના ખોટા દસ્તાવેજો ઉપર કરી કથિત રૂપે આ ત્રણ અધિકારીઓએ 300 થી 800 એકર જમીન બારોબાર વેચી દેવામાં કોઈને મદદ કરી હોવાનો આરોપ હતો.
સુરેન્દ્રનગરથી રાજેશની બદલી ગૃહ ખાતામાં લો એન્ડ ઓર્ડર વિભાગના જોઈન્ટ સેક્રેટરી નિમાયા હતા પણ એક જ સપ્તાહમાં તેમની ફરી બદલી કરી દેવામાં આવી હતી. પાટનગરના સુત્રો જણાવે છે કે જૂન 2021માં થયેલી આ વારંવાર બદલી માટે રાજેશ સામે એન્ટી કરપ્શન ડીપાર્ટમેન્ટની ફરિયાદો હતી. આ ફરિયાદોમાં સુરેન્દ્રનગર કલેકટર તરીકે તેમની સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ થયા અને તેની ગંભીર નોધ લઇ તેમની બદલી GADમાં વહીવટી સચિવ તરીકે કરવામાં આવી હતી.
CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારી પર જમીનના શંકાસ્પદ સોદામાં હાથ હોવાનો અને લાંચ લીધા બાદ હથિયારનું લાઈસન્સ આપવાનો આરોપ છે. આ તમામ પ્રાથમિક માહિતીને ધ્યાનમાં લીધા બાદ ગુરૂવારે CBIના દિલ્હી યુનિટમાં કે. રાજેશ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી.
વધુ વાંચો : ગાંધીનગરમાં 2011ની બેચના IAS ઓફિસર અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરના ત્યાં CBIનો દરોડો