ઓનલાઈન ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયેલા રત્નકલાકારે ઘર છોડવું પડયું

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
ઓનલાઈન ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયેલા  રત્નકલાકારે ઘર છોડવું પડયું 1 - image


નાસાલોન એપ ડાઉનલોડ કરી રૂ. 47,000ની લોન લીધી હતી : અજાણી મહિલાના બિભત્સ ફોટા પર રત્નકલાકારનું નામ, સરનામું લખી સબંધીઓને મોકલ્યા બાદ તેનો પત્ની સાથેનો એડીટેડ બિભત્સ ફોટો મોકલ્યો : લોન ભરવા કોઈ ફોન આવ્યો નહોતો પણ બાદમાં તે ફોન રીસીવ ન કરતો હોવાથી પરિવાર અને સબંધીઓને આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકી મળવા લાગી

સુરત/ અમરેલી : સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મુળ અમરેલીના યુવાન રત્નકલાકારે ગુગલ સર્ચ કરી નાસાલોન એપ ડાઉનલોડ કરી રૂ. 47,000ની ઓનલાઈન લોન લીધા બાદ તે ભરપાઈ નહીં કરતા અને ફોન નહીં ઉપાડતા અજાણ્યાઓએ આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન કરી ધમકી આપતા અને અજાણી મહિલાના બિભત્સ ફોટા પર તેનું નામ, સરનામું લખી સંબંધીઓને મોકલતા તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો.ત્રણ દિવસ પછી તે મળ્યા બાદ ફરી અજાણ્યાઓએ તેનો પત્ની સાથેનો ફોટો એડિટ કરી બિભત્સ ફોટો બનાવી સંબંધીઓને મોકલતા છેવટે રત્નકલાકારના ભાઈએ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા 38  વર્ષીય રત્નકલાકાર રાજુભાઈ ( નામ બદલ્યું છે ) ને દોઢ મહિના અગાઉ પૈસાની જરૂર હોય તેમણે ઈન્સ્ટન્ટ લોન માટે ગુગલ સર્ચ કરી નાસાલોન એપ ડાઉનલોડ કરી હતી.બાદમાં પોતાના ડોક્યુમેન્ટસ જમા કરાવી અને વિગતો ભરી રૂ. 47,000ની ત્રણ ઓનલાઈન લોન મંજુર થયા બાદ તેમને રૂ. 41,000 મળ્યા હતા.તેમને લોન ભરપાઈ કરવા કોઈ ફોન આવ્યા નહોતા.જોકે, એક મહિના બાદ 18 સપ્ટેમ્બરના રોજ તેમના પિતા, માતાના મોબાઈલ ફોન ઉપર આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન આવ્યા હતા.ફોન કરનારે રાજુભાઈએ લીધેલી લોન ભરપાઈ કરી નથી અને તે ફોન ઉપાડતા નથી તેમ કહી ગાળાગાળી કરી હતી.આ અંગે જયારે રાજુભાઈને તેમના ભાઈએ ફોન કરી પૂછયું ત્યારે તેમણે લોન લીધી નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

જોકે, તે સમયે જ રાજુભાઈના બહેનના વ્હોટ્સએપ ઉપર અજાણી મહિલાના બિભત્સ ફોટા પર રાજુભાઈનું નામ, નંબર, સરનામું લખી નીચે રૂ. 1000 ઓનલાઈન લખી મોકલવામાં આવ્યું હતું.આ ફોટો અન્ય સંબંધીઓને પણ મળતા રાજુભાઈના ભાઈએ તેમને ફોન કર્યો તો તેમનો ફોન બંધ હતો.તે રાત્રે પણ ઘરે નહીં આવતા પરિવારે કાપોદ્રા પોલીસમાં અરજી કરી હતી.ગુમ થયેલા રાજુભાઈએ ત્રણ દિવસ બાદ તેમના એક મિત્રને ફોન કરી પોતે કડોદરા હોવાનું જણાવતા પરિવારજનો તેમને ઘરે લાવ્યા હતા.તેમને પૂછતાં તેમણે ઓનલાઈન લોનની વાત સ્વીકારી હતી.દરમિયાન, ગત શનિવારે રાજુભાઈના ભાઈને લોન ભરવા ફોન કરી બાદમાં તેમનો પત્ની સાથેનો ફોટો એડિટ કરી બિભત્સ ફોટો બનાવી સંબંધીઓને મોકલતા છેવટે રાજુભાઈના ભાઈએ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News