ઓનલાઈન ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયેલા રત્નકલાકારે ઘર છોડવું પડયું
નાસાલોન એપ ડાઉનલોડ કરી રૂ.47 હજારની લોન લીધી હતી : અજાણી મહિલાના બિભત્સ ફોટા પર રત્નકલાકારનું નામ, સરનામું લખી સંબંધીઓને મોકલ્યા બાદ તેનો પત્ની સાથેનો એડિટેડ બિભત્સ ફોટો મોકલ્યો
લોન ભરવા કોઈ ફોન આવ્યો નહોતો પણ બાદમાં તે ફોન રીસીવ ન કરતો હોવાથી પરિવાર અને સંબંધીઓને આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકી મળવા લાગી
- નાસાલોન એપ ડાઉનલોડ કરી રૂ.47 હજારની લોન લીધી હતી : અજાણી મહિલાના બિભત્સ ફોટા પર રત્નકલાકારનું નામ, સરનામું લખી સંબંધીઓને મોકલ્યા બાદ તેનો પત્ની સાથેનો એડિટેડ બિભત્સ ફોટો મોકલ્યો
- લોન ભરવા કોઈ ફોન આવ્યો નહોતો પણ બાદમાં તે ફોન રીસીવ ન કરતો હોવાથી પરિવાર અને સંબંધીઓને આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકી મળવા લાગી
સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવાન રત્નકલાકારે ગુગલ સર્ચ કરી નાસાલોન એપ ડાઉનલોડ કરી રૂ.47 હજારની ઓનલાઈન લોન લીધા બાદ તે ભરપાઈ નહીં કરતા અને ફોન નહીં ઉપાડતા અજાણ્યાઓએ આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન કરી ધમકી આપતા અને અજાણી મહિલાના બિભત્સ ફોટા પર તેનું નામ, સરનામું લખી સંબંધીઓને મોકલતા તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો.ત્રણ દિવસ પછી તે મળ્યા બાદ ફરી અજાણ્યાઓએ તેનો પત્ની સાથેનો ફોટો એડિટ કરી બિભત્સ ફોટો બનાવી સંબંધીઓને મોકલતા છેવટે રત્નકલાકારના ભાઈએ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકાર રાજુભાઈ ( નામ બદલ્યું છે ) ને દોઢ મહિના અગાઉ પૈસાની જરૂર હોય તેમણે ઈન્સ્ટન્ટ લોન માટે ગુગલ સર્ચ કરી નાસાલોન એપ ડાઉનલોડ કરી હતી.બાદમાં પોતાના ડોક્યુમેન્ટસ જમા કરાવી અને વિગતો ભરી રૂ.47 હજારની ત્રણ ઓનલાઈન લોન મંજુર થયા બાદ તેમને રૂ.41 હજાર મળ્યા હતા.તેમને લોન ભરપાઈ કરવા કોઈ ફોન આવ્યા નહોતા.જોકે, એક મહિના બાદ 18 સપ્ટેમ્બરના રોજ તેમના પિતા, માતાના મોબાઈલ ફોન ઉપર આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન આવ્યા હતા.ફોન કરનારે રાજુભાઈએ લીધેલી લોન ભરપાઈ કરી નથી અને તે ફોન ઉપાડતા નથી તેમ કહી ગાળાગાળી કરી હતી.આ અંગે જયારે રાજુભાઈને તેમના ભાઈએ ફોન કરી પૂછ્યું ત્યારે તેમણે લોન લીધી નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
જોકે, તે સમયે જ રાજુભાઈના બહેનના વ્હોટ્સએપ ઉપર અજાણી મહિલાના બિભત્સ ફોટા પર રાજુભાઈનું નામ, નંબર, સરનામું લખી નીચે રૂ.1000 ઓનલાઈન લખી મોકલવામાં આવ્યું હતું.આ ફોટો અન્ય સંબંધીઓને પણ મળતા રાજુભાઈના ભાઈએ તેમને ફોન કર્યો તો તેમનો ફોન બંધ હતો.તે રાત્રે પણ ઘરે નહીં આવતા પરિવારે કાપોદ્રા પોલીસમાં અરજી કરી હતી.ગુમ થયેલા રાજુભાઈએ ત્રણ દિવસ બાદ તેમના એક મિત્રને ફોન કરી પોતે કડોદરા હોવાનું જણાવતા પરિવારજનો તેમને ઘરે લાવ્યા હતા.તેમને પૂછતાં તેમણે ઓનલાઈન લોનની વાત સ્વીકારી હતી.દરમિયાન, ગત શનિવારે રાજુભાઈના ભાઈને લોન ભરવા ફોન કરી બાદમાં તેમનો પત્ની સાથેનો ફોટો એડિટ કરી બિભત્સ ફોટો બનાવી સંબંધીઓને મોકલતા છેવટે રરાજુભાઈના ભાઈએ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સાત મહિના પહેલા રાંદેરના મહિલા પ્રોફેસરે ઓનલાઈન લોનના ચક્કરમાં ફસાતા આપઘાત કર્યો હતો
સુરત, : સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા મહિલા પ્રોફેસરે સાત મહિના અગાઉ રેલવે ટ્રેક પર ઝંપલાવી આપઘાત કર્યો હતો.આ બનાવમાં પોલીસે તપાસ કરતા તેમને ઓનલાઈન લોનના ચક્કરમાં ફસાવી ઝારખંડની ગેંગે ધમકી આપી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસને આ બનાવમાં તે ગેંગની સાથે પાકિસ્તાનનું પણ કનેક્શન મળ્યું હતું.