જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પશુઓની ચોરી કરતી તસ્કર ગેંગ સક્રિય બની
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઘેટા બકરાની ચોરી કરતી તસ્કર ગેંગ સક્રિય બની છે, અને લતીપર રોડ પર દેવીપુજક વાસમાં રાત્રી દરમિયાન ત્રણ ભરવાડ પરિવારના 14 નંગ જેટલા ઘેટાં-બકરા અને બોકડા સહિતની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઇ છે, જે તસ્કર ગેંગ ને પોલીસ શોધી રહી છે.
આ પશુ ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ માં લતીપર રોડ પર દેવીપુજક વાસ માં રહેતા અને પશુપાલન નો વ્યવસાય કરતા રવિભાઈ વકસીભાઈ વાઘેલાએ પોતાના વાડામાં રાખેલા ઘેટા બકરા પૈકીના નાના મોટા નવ નંગ ઘેટાં બકરાની કોઈ તસ્કરો ગત પાંચમી તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયા નું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
આ ઉપરાંત પાડોશમાજ રહેતા દિનેશભાઈ જગુભાઈ વાઘેલા નો એક બોકડો ચોરી થઈ ગયો છે, જ્યારે અન્ય પાડોશી મશરૂભાઈ રાતડીયા ની ચાર નંગ બકરીની પણ ચોરી થઈ ગયા નું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. કુલ 1,18,000ની કિંમતના 14 પશુઓની ચોરી થઈ હોવાનું જાહેર કરાયું છે. જે મામલે ધ્રોળ પોલીસ તપાસ ચલાવે છે.