જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકનો કેશિયર રૂા. 34.45 લાખ લઇને છૂમંતર
જામજોધપુરની વાંસજાળીયા બ્રાન્ચમાં નાણાકીય ઉચાપત : વિજિલન્સ ટીમનાં ઓચિંતા ચેકિંગ સમયે તિજોરીમાં માત્ર પરચુરણ રકમ જ નીકળી : ફરાર કેશિયર સામે ગુનો દાખલ કરીને શોધખોળ
જામનગર, : જામજોધપુર તાલુકા ના વાંસજાળીયા ગામમાં આવેલી જામનગર ડીસ્ટ્રીક ઓપરેટિવ બેન્કનો કેશીયર પોતાના હોદ્દાનો દૂરૂઉપયોગ કરીને બેંકમાંથી રૂપિયા 34.45 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયો હોવાથી વિજિલન્સની તપાસ દરમિયાન મામલો સામે આવ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામજોધપુર પોલીસ ફરારી કેશિયરને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલી ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની શાખામાં ધવલ મનસુખભાઈ સાદરીયા કેશિયર તરીકે ફરજ બજાવે છે, જેણે તાજેતરમાં તારીખ 23.10.2024 થી 28.10.2024 ના પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દા નો દુરૂપયોગ કરીને બેંકની તિજોરીમાં રાખવામાં આવેલી રૂપિયા 34,45,000ની રોકડ રકમ કે જે ઉપાડી લીધી હતી, અને રકમ સાથે બારોબાર રફુચક્કર થઈ ગયો હતો.
દરમિયાન તાજેતરમાં ડીસ્ટ્રીક કો- ઓપરેટિવ બેંકની વિજિલન્સ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને બેંકના ઇન્ચાર્જ મેનેજર રાહુલભાઈ હસમુખભાઈ પંડયા ને બોલાવીને તિજોરી ખોલાવી ચેકિંગ કરતાં તેમાં માત્ર પરચુરણ રકમ જોવા મળી હતી, અને બેંકના હિસાબ પ્રમાણે 34.45,000ની રોકડ રકમ ગાયબ હતી.
બેંકનો કેશિયર, કે જેની ચાવી પોતાની પાસે રાખતો હોવાથી બેંકના ઇન્ચાર્જ મેનેજર દ્વારા તેની ચાવી મંગાવવામાં આવી હતી, ત્યારે પોતે કાકા મારફતે ચાવી મોકલાવીને ગાયબ થયો હતો, અને પાંચ દિવસના સમયગાળાનો મોકો શોધીને રોકડ રકમ સાથે ગાયબ થઈ ગયો હતો. જેથી બેંકના ઇન્ચાર્જ મેનેજર રાહુલભાઈ પંડયા ની ફરિયાદના આધારે કેશીયર ધવલભાઇ સાદરીયા સામે જામજોધપુર પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને ફરાર થઈ ગયેલા કેશિયરની જામજોધપુર પોલીસ શોધખોળ ચલાવી રહી છે.