મહિધરપુરા હીરાબજારમાં દલાલની મોપેડની ડીકીમાંથી રોકડા રૂ.9.98 લાખની ચોરી
કતારગામના વેપારીના હીરા વેચી પેમેન્ટ ડીકીમાં મૂકી જતા દલાલને અચાનક ખંજવાળ શરૂ થતા મોપેડ સાઈડમાં ઉભું રાખી મોઢું ધોવા ગયા હતા
મોપેડની ચાવી ઈગ્નીશનમાં જ રહી ગઈ હતી : થોડીવાર બાદ મોપેડ ચાલુ કરતા પહેલા ડીકી ખોલી જોયું તો પૈસા નહોતા
- કતારગામના વેપારીના હીરા વેચી પેમેન્ટ ડીકીમાં મૂકી જતા દલાલને અચાનક ખંજવાળ શરૂ થતા મોપેડ સાઈડમાં ઉભું રાખી મોઢું ધોવા ગયા હતા
- મોપેડની ચાવી ઈગ્નીશનમાં જ રહી ગઈ હતી : થોડીવાર બાદ મોપેડ ચાલુ કરતા પહેલા ડીકી ખોલી જોયું તો પૈસા નહોતા
સુરત, : કતારગામના હીરા વેપારી પાસેથી લીધેલા હીરા મહિધરપુરાના વેપારીને વેચી પેમેન્ટના રૂ.9.98 લાખ મોપેડની ડીકીમાં મૂકી જતા દલાલને મહિધરપુરા હીરાબજારમાં શરીરે અચાનક ખંજવાળ શરૂ થતા મોપેડ સાઈડમાં ઉભું રાખી મોઢું ધોવા ગયા હતા.તે સમયે તે સમયે મોપેડની ચાવી ઈગ્નીશનમાં જ રહી જતા કોઈક ડીકીમાંથી રોકડા રૂ.9.98 લાખની ચોરી કરી ફરાર થઈ ગયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી લાઠી દામનગરના વતની અને સુરતમાં મોટા વરાછા મીરા હોમ્સ ઘર નં.બી/203 માં રહેતા 36 વર્ષીય તુષારભાઇ દિપકભાઇ નારોલા છેલ્લા બે વર્ષથી સુરતના મહિધરપુરા અને વરાછા હીરાબજારમાં દલાલીનું કામ કરે છે.ગત 29 જાન્યુઆરીના રોજ તેમણે કતારગામમાં હીરાનું કારખાનું ધરાવતા વિમલભાઈ લાભુભાઈ કેવડીયા પાસેથી 216.26 કેરેટના હીરા લઈ બીજા દિવસે મહિધરપુરા હીરાબજાર ડાયમંડ પ્લાઝા ઓફિસ નં.202 માં બેસતા રાકેશભાઈ મનસુખભાઇ કોટડીયાને રૂ.9,98,052 માં વેચ્યા હતા.રાકેશભાઈએ તુષારભાઈને ગત મંગળવારે પેમેન્ટ લેવાનું કહ્યું હતું.
મંગળવારે તુષારભાઈ રાકેશભાઈ પાસેથી પેમેન્ટ મેળવી પ્લાસ્ટીકની થેલીમાં મૂકી થેલી પોતાના મોપેડ ( નં.જીજે-05-કેવી-8252 ) ની ડીકીમાં મૂકી વિમલભાઈને આપવા નીકળ્યા હતા.સાંજે છ વાગ્યાના અરસામાં તે હીરાબજાર એલ.બી.ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમના શરીરે ખંજવાળ શરૂ થઈ હતી અને બળતરા પણ થવા લાગ્યા હતા.આથી તેમણે મોપેડ સાઈડમાં ઉભું રાખ્યું ત્યારે ચાવી ઈગ્નીશનમાં જ રહી ગઈ હતી.તે સમયે એક અજાણ્યો તેમની પાસે આવ્યો હતો અને શું થાય છે તેમ પૂછી નજીકમાં હરેકૃષ્ણ આલુપૂરી અને કેળાપુરીની દુકાન પાસે લઈ જઈ પાણી આપતા તુષારભાઈએ પાણીથી મોઢું ધોયું હતું.બાદમાં તેમણે મોપેડ પાસે પહોંચી શરૂ કરતા પહેલા ડીકી ખોલી જોયું તો તેમાં પૈસા નહોતા.
નજર ચૂકવી રોકડા રૂ.9,98,052 ચોરી જનાર અજાણ્યા વિરુદ્ધ તુષારભાઈએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.પોલીસને આ બનાવમાં નાના બાળકોનો ઉપયોગ કરી ખંજવાળયુક્ત પદાર્થ ફેંકી નજર ચૂકવી રોકડ ચોરતી દ.ભારતની ગેંગની સંડોવણીની આશંકા છે.વધુ તપાસ પીએસઆઈ કે.બી.સોલકી કરી રહ્યા છે.