સરકારના વાંકે જગતનો તાત પાણીચોરી કરવા મજબૂર, સુરેન્દ્રનગરમાં 300 સામે કેસ, એકને પાસા
Cases against Farmer: ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આખરે ખેતીને બચાવવા ખેડૂતો કેનાલમાંથી પાણી લઇ રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે 300 ખેડૂતો વિરુદ્ધ પાણીચોરીના કેસ નોંઘ્યાં છે. એટલું જ નહીં, મૂળીના એક ખેડૂતને પાણી ચોરી બદલ પાસા એકટ હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે. એક તરફ, સરકાર ખેડૂતોને સિચાઇનું પાણી પુરુ પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી છે ત્યારે બીજી તરફ, સરકાર ખેડૂતોને પાણીચોર સાબિત કરી રહી છે. સરકારની આ બેધારી નીતિને પગલે સુરેન્દ્રનગર જીલ્લામા જ નહીં, સમગ્ર ગુજરાતમાં રોષ ભભૂક્યો છે.
એક તરફ, સરકાર સિંચાઇ માટે પૂરતું પાણી આપતી નથી બીજુ તરફ, ખેડૂતોને પાણીચોર સાબિત કરવામાં આવે છે
ગુજરાતના ખેડૂતોની આવક બમણી થશે. સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો પણ સમૃદ્ધ થશે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે પણ કડવી વાસ્તવિકતા એછે કે, ગુજરાતના ખેડૂતો સિંચાઇના પાણી માટે ટળવળી રહ્યાં છે. ગુજરાતમાં આજે ખેતી કરવી પણ મોઘી બની છે કેમકે, મોધું ખાતર,જંતુનાશક દવા ઉપરાંત બિયારણ નહીં, ખેતમજૂરી પણ ગરીબ ખેડૂતોને પોષાય તેમ નથી. અથાગ મહેનત પછી પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં નથી. આ પરિસ્થિતિ વચ્ચે ખેતરમાં ઉભા પાક બચાવવા માટે ખેડૂતોએ કેનાલમાંથી સિંચાઇનું પાણી લેવા મજબુર થવુ પડ્યુ છે.
સ્થાનિક ખેડૂતોનું કહેવુ છેકે, ખેતી ખાતર સિંચાઇનું પાણી લેવા બદલ ખેડૂતો સામે પાણી ચોરીના કેસ દાખલ કરાયા હતાં. એવો આક્ષેપ કરાયો છેકે, અમુક કિસ્સામાં તો નિર્દોષ ખેડૂતો પર ખોટા કેસ દાખલ કરાયા હતાં. ઘણાં કિસ્સામાં તો ખેડૂતોએ એફિડેવિટ કરી કબૂલાત કરી છેકે, અમારાથી ક્યાંક ભૂલ થઈ છે. કેટલાંક ખેડૂતો નિર્દોષ હોવાનો પુરાવો રજૂ કરી શક્યા નથી તેમની વિરુદ્ધ કોર્ટમાં આજે પણ કેસ ચાલી રહ્યાં છે. ગત મહિનામાં મૂળીના એક ખેડૂતને પાસા એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવાયા છે.
એવું જાણવા મળ્યુ છે કે, પોલીસના ડરથી ઘણાં ખેડૂતો ઘર છોડીને જતાં રહ્યાં છે. ખેડૂતોનું કહેવુ છે કે, આ વિસ્તારમાં 50થી વધુ બુટલેગરો છે જેમની વિરુદ્ધ પાંચથી વધુ કેસ નોંધાયેલાં છે તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી નથી થતી જયારે ખેડૂતોને જેલમાં ધકેલવામાં આવે છે. આગામી દિવસોમાં મહારેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવા ખેડૂતોએ તૈયારી કરી છે.
કચ્છના નાના રણમાં નર્મદાના પાણી વેડફાય છે, સરકારને જ પાણીની કિમત નથી
નર્મદાના પાણી કચ્છના નાના રણમાં પહોંચ્યા છે જેથી અગરિયાઓની માઠી દશા થઇ છે. એક બાજુ, ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાતુ નથી તો બીજુ બાજુ, નર્મદાના પાણીનું રણમાં વેડફાઇ રહ્યુ છે. સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ મામલે સરકારનું ઘ્યાન દોર્યુ છે છતાં કોઇ પગલાં લેવાયા નથી. હજારો લિટર પાણી કચ્છના રણમાં જઇ રહ્યુ છે ત્યારે કોઇ ઘ્યાન આપનાર નથી. સરકારને જાણે પાણીની જાણે કિમત ન હોય તેવી સ્થિતી સર્જાઇ છે. અગારિયાઓને નુકશાન પહોંચાડતું પાણી બચાવવાની સરકારને પડી નથી. આ તરફ, મહામૂલી ખેતી બચાવવા પાણી લેનારાં ખેડૂતોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે.
કૃષિ પેકેજનો લાભ આપવામાં ઠાગાઠૈયા, ખેડૂતો વિરુઘ્ધ પગલાં ભરવા સરકારને શુરાતન ચડ્યું
આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે જોખમી પુરવાર થયુ છે કેમકે, અતિવૃષ્ટિને કારણે આર્થિક નુકશાન ભોગવવું પડયું હતું. છેવટે ખેડૂતોની આર્થિક નુકશાનથી ખોટ પુરવા સરકારે કૃષિ પેકેજ જાહેર કરવું પડ્યુ હતું. જોકે, કૃષિ પેકેજનો લાભ આપવાનો હોય તો સરકારને બહાનાબાજી સુઝે છે, લાભ લેવો હોય તો અનક શરતો મૂકે છે પણ આ જ ખેડૂતો વિરુદ્ધ પગલાં ભરવા સરકારને જાણે શુરાતન ચડ્યુ છે. જગતના તાતને જેલભેગા કરવા સૂચના અપાઇ છે જેથી ખેડૂતો રોષે ભરાયા છે.