જુગારના ખોટા કેસમાં તોડપાણી કરનાર PI અને કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ, એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં મોટો ધડાકો
Morbi fake gambling case : મોરબીના સૌથી ચર્ચિત જુગારના કેસમાં મોટો ધડાકો થયો છે. રાજકોટના જાણિતા સોની ભાસ્કર પારેખ સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જુગારના કેસમાં ફસાવીને 63 લાખની તોડબાજી કરવાના કેસમાં પીઆઇ વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમાચારના પગલે પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો છે. તોડબાજ પોલીસકર્મીઓનો પરસેવો છુટવા લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. કે. ગોહિલે એક હોટલમાં ગત 27 ઓક્ટબરે રેડ પાડી લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાની ચર્ચાએ ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારબાદ ખોટો કેસ કરવામાં આવ્યો હોવાની ડીજીપીને લેખિત અરજી કરવામાં આવી હતી. અરજી બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના (SMC) એસપી નિર્લિપ્ત રાય આ કેસની તપાસ કરી રહ્યા હતા. એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં ધડાકો કરવામાં આવ્યો છે.
તપાસમાં મોરબી પાસે આવેલા ટંકારાના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટા કેસમાં પડાવી 63 લાખ પડાવી લીધા હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. આ કેસમાં માર નહીં મારવાના ,લોકઅપ માં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના માટે પીઆઇ વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સહિત પોલીસકર્મીઓ પૈસા પડાવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને નિવેદનો સહિતના પુરાવાઓના આધારે પોલીસની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો છે.
જોકે આ કેસના આરોપી લાંચિયા પી.આઇ વાય.કે. ગોહિલને અને કોન્સ્ટેબલ મહિપતસિંહને સસ્પેંડ કરાયા બાદ લાપતા હોવાથી શોધખોળ ચાલી રહી છે. હાલમાં આ કેસમાં તત્કાલીન PI અને હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ અને ખોટા દસ્તાવેજ ઊભા કરવાનો ગુનો નોંધાયો છે.