સગીર છોકરીને નોકરી પર રાખનાર પેટ્રોલ પંપના માલિક સામે ગુનો દાખલ
Vadodara : વડોદરાના પાદરા અટલાદરા રોડ ખાતે આવેલા ઓટો ફેક્સ નામના ગેરેજમાં એક કિશોરને નોકરી રાખવામાં આવ્યો હોવાની માહિતી એનજીઓને મળી હતી. જેથી અટલાદરા પોલીસની મદદ લઈ સ્થળ પર જઈ તપાસ કરતા 12 વર્ષનો એક કિશોર મળી આવ્યો હતો. ગેરેજમાં છેલ્લા ત્રણ મહિનાથી નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધીની તે નોકરી કરેતો હતો અને માસિક 4000 નો પગાર મળતો હતો. તેને નોકરી પર રાખનાર ઓટો ફેક્સ ગેરેજના માલિક રહિલ પંકજભાઈ પટેલ રહે ગુરુકૃપા સોસાયટી આણંદની સામે અટલાદરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં એનજીઓને માહિતી મળી હતી કે અટલાદરા પાદરા રોડ પર આવેલા પ્રમુખસ્વામી પેટ્રોલિયમમાં કેટલીક સગીર વયની છોકરીઓને નોકરી પર રાખે છે. જેથી અટલાદરા પોલીસની મદદ લઈને ત્યાં જઈને તપાસ કરતા 17 વર્ષની કિશોરી મળી આવી હતી. તે છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ પંપ ફીલર તરીકે સવારના 6થી બપોરના 2:00 વાગ્યા સુધી નોકરી કરતી હતી અને દર મહિને તેને દસ હજારનો પગાર મળતો હતો. જેથી અટલાદરા પોલીસે પેટ્રોલ પંપના માલિક ઋષિકેશ કમલેશકુમાર કડકીયા રહે ભાવના પાર્ક સોસાયટી વીઆઈપી રોડની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.