બોટાદમાં યુવાનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર પ્રેમિકા વિરૂદ્ધ ગુનો દાખલ
- સજોડે આત્મહત્યા કરવા ગેસ્ટ હાઉસમાં ગયા હતા
- ગેસ્ટ હાઉસના રૂમમાં મૃતકે મરતા પહેલા લખેલી ચિઠ્ઠીના આધારે પિતાએ મહિલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બોટાદના ટાવર રોડ ઉપર આવેલ યોગી ગેસ્ટ હાઉસના રૂમ નં.૦૬ માં ગત તા.૧૧/૦૨ ના રોજ સાંજના સમયે અશોકભાઈ ઉર્ફે મોન્ટુ કરશનભાઈ લીંબડીયા (ઉં.વ.૩૮) એ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા અશોકભાઈના પિતા કરશનભાઈ મોતીભાઈ લીંબડીયા તેમના સંબંધીઓ સાથે ગેસ્ટ હાઉસ દોડી ગયા હતા. મૃતક અશોકભાઈના ખિસ્સામાંથી તેના હસ્તાક્ષરમાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં અશોકભાઈએ પોતાને છેલ્લા ૨૦ વર્ષથી તેજલબેન સંજયભાઈ કોગતીયા ( રહે. મૂળ કારીયાણી, તા. બોટાદ, હાલ રહે. ખોડીયારનગર- ૦૨,બોટાદ) સાથે છેલ્લા ૨૦ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું અને બંનેએ સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોવા છતાં તેજલબેને આ વચન નહીં નિભાવી દગો કરી બોટાદમાં આવેલ યોગી ગેસ્ટ હાઉસમાં બપોરના સમયે લઈ જઈ બંને જણાએ સાથે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. તેજલબેને અશોકભાઈ ને 'પહેલા તમે ઝેરી દવા પી લ્યો પછી હું પી લઈશ' તેમ કહેતા અશોકભાઈએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી અને ત્યારબાદ તેજલબેન ઝેરી દવા પીવાના બદલે અશોકભાઈને ગેસ્ટહાઉસમાં મૂકી જતા રહ્યા હતા. તેજલબેનને ત્રણ માસનો ગર્ભ પણ હોવાનો મૃતકે લખેલી ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યોછે. ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરનાર અશોકભાઈએ લખેલી ચિઠ્ઠીના આધારે તેના પિતા કરશનભાઈ મોતીભાઈ લીંબડીયા (રહે. ખોડીયારનગર-૦૧, બોટાદ) એ પોતાના પુત્રને મરવા મજબૂર કરનાર તેજલબેન સંજયભાઈ કોગતિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે બીએનએસની કલમ ૧૦૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાના પ્રેમમાં યુવાને 20 વર્ષથી ઘર છોડી દીધું હતું
સજોડે આત્મહત્યા કરી લેવાના બહાને પોતાના પુત્રને મરવા મજબૂર કરનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર મૃતકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્રની અગાઉ ૧૫ વર્ષ પહેલા સગાઈ થઈ હતી પરંતુ તે સગાઈ ત્રણ માસમાં તૂટી ગઈ હતી. ત્યારબાદ આ મહિલા સાથેના પ્રેમ સંબંધમાં તે છેલ્લા ૨૦ વર્ષથી ઘર છોડીને જતો રહ્યો હતો અને છેલ્લા પાંચ વર્ષથી તેમની દીકરી શીતલબેનના સાસરિયામાં ઉમરાળા ગામે રહેતો હતો અને કામ ધંધો કરતો હતો.