જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ત્રણ સવારી બાઇકમાં સ્ટંટ કરનાર બાઈક સવાર સામે ગુન્હો નોંધાયો
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ત્રણ સવારી બાઈકમાં સ્ટંટ કરનાર એક શખ્સને સ્ટંટ કરવો ભારે પડ્યો હતો, અને અકસ્માત નો શિકાર બન્યા પછી હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે તેણે એક પોલીસ કર્મચારીની કારને ટક્કર મારી દઇ નુકસાન પહોંચાડ્યું હોવાથી તે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક બેડી માં રહેતો અજમલ અનવર સોઢા નામનો શખ્સ પોતાના બાઈકમાં અન્ય બે વ્યક્તિઓને બેસાડીને પોતાના જ વિસ્તારના અન્ય બાઈક સવાર યુવાનો સાથે શરૂ સેક્શન રોડ પરથી સ્ટંટ કરતાં કરતાં નીકળ્યો હતો.
જે દરમિયાન પરમ દિવસે રાત્રિના સમયે એક કાર સાથે ટકરાઈ ગયો હતો, અને પોતે ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હોવાથી તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે, અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
દરમિયાન જે કાર સાથે ટકરાયો હતો, તે કાર જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં રહેતા અને મેઘપર પોલીસ મથકમાં ફરજ બજાવતા જીગ્નેશકુમાર રામજીભાઈ વાળા નામના પોલીસ કર્મચારી ની હતી, અને તેઓ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી પોતાની કાર લઈને બહાર નીકળવા ગયા કે તુરતજ બાઈક સવાર તેની સાથે ટકરાઈ ગયો હતો, અને કારમાં અંદાજે ચાલિસેક હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.
આથી પોલીસ કર્મચારી જીગ્નેશભાઈ વાળાએ બાઇક સવાર અજમલ સોઢા સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જીને પોતાની કારને રૂપિયા 40હજારની નુકસાની પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધાવી છે.