જામનગરમાં બાળમજૂરી કરાવનાર ગેરેજ સંચાલક સામે ગુનો નોંધાયો, બાળમજૂરને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલાયો
image : Freepik
Jamnagar : જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલાં એક ઓટો ગેરેજમાં તેના સંચાલક પોતાના ગેરેજમાં નાની વયના બાળકને કામે રાખીને બાળમજૂરી કરાવતો હોવાની માહિતી જામનગરની શ્રમ અધિકારીની કચેરીના સરકારી અધિકારી ડી.ડી.રામીને મળી હતી.
જે માહિતીના આધારે ઉપરોક્ત અધિકારી સાથેની ટુકડી ગઈકાલે સાંજે કોમલનગર વિસ્તારમાં આવેલાં મોમાઈ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશનમાં તપાસ અર્થે પહોંચી હતી, જયાં તપાસ કરતાં 14 વર્ષની વયનો એક બાળક ગેરેજમાં કામ કરતા મળી આવ્યો હતો, અને ગેરેજ સંચાલક દ્વારા બાળમજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી ઉપરોક્ત ટીમે બાળકને ત્યાંથી મુક્ત કરાવ્યું હતું, અને જામનગર જિલ્લા બાળ સુરક્ષાગ્રહમાં મોકલી દીધુ હતું. આ ઉપરાંત ગેરેજના સંચાલક દિનેશ અરજણભાઈ ધોકિયા સામે બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ 3, 14(1) તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.