વડોદરામાં લાયસન્સ વિના ચાલતું હતું ગેમઝોન, તંત્રએ સંચાલક વિરૂદ્ધ નોંધ્યો ગુનો
Vadodara Game Zone Fire Safety : વડોદરા પોલીસ વિભાગ પાસેથી કોઇ પ્રકારની મંજૂર કે લાયસન્સ નહી લઇને કમાટીબાગમાં ગેમિંગઝોન ચાલુ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે લોકોની જિંદગી જોખમાય તેવી નિષ્કાળજી દાખવનાર ગેમઝોનના સંચાલક વિરુદ્ધ ઇપીકો 336 તથા જીપીએ 33(w)131 મુજબ ગુનો દાખલ કરાયો છે.
તાજેતરમાં રાજકોટ ખાતે ગેમિંગઝોનમાં સર્જાયેલી ગોઝારી ઘટનાના પગલે રાજ્યમાં તમામ ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક સહિત આનંદ પ્રમોદના જાહેર સ્થળ ચેકિંગ કરવા માટે ગૃહ વિભાગ દ્વારા સુચના કરાઇ હતી. જેના પગલે વડોદરા મહાનગર પાલીકા વિસ્તારમાં આવેલા ગેમઝોન, એમ્યુઝમમેન્ટ પાર્કસ, ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોએ આગ સહિતની કોઇ આકસ્મિક દુર્ઘટના ન સર્જાય માટે ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ, ફન પાર્કર્સ સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત કરી ચકાસણી કરવા ચીફ ફાયર ઓફીસરના સંકલનમા ટીમની રચના કરાઇ છે.
જેમાં સરકારના અલગ અલગ વિભાગના અધિકારી, કર્મચારીઓ તથા પોલીસ સહિતની ટીમ દ્વારા કમાટીબાગમાં આવેલા ખોડલપાર્ક કોર્પો. પ્રા.લી.ગેમઝોન ખાતે 28 મેના રોજ સંચાલક અને મેનેજર હિમાંશુકુમાર શશીકાંત સોની પાસે એનઓસી તથા પરવાનગી તેમજ વાયસન્સ ચેક કરતા ગેમઝોન માટે પોલીસ કમિશનર તરફથી જરૂરી લાયસન્સ નહી મેળવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી સંચાલકે લાયસન્સ કે પરવાનગી નહી લઈ કોઈ વ્યક્તિ મનુષ્યની જીંદગી કે અન્ય કોઈ વ્યક્તિઓને શારીરીક સલામતી જોખમમાં મુકાય તેવી નિષ્કાળજી રાખી ગુનો કર્યો હોય સયાજીગંજ પોલીસે ખોડલપાર્ક કોર્પો. પ્રા.લી.ગેમઝોનના સંચાલક-મેનેજર સામે ઈપીકો કલમ 336 તથા જી.પી. એક્ટ કલમ 33(w)131 મુજબ મુજબ ગુનો દાખલ કરાયો છે.