જામનગરના ગુલાબ નગરમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે ઝડપી લીધા પછી જેલ હવાલે કરાયો
Jamnagar Rape Case : જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક સગીરાને પ્રેમઝાળમાં ફસાવી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યા પછી પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો, અને જરૂરી પુરાવા મેળવ્યા પછી અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલ હવાલે કરાયો છે. સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું છે, જયારે સગીરાને વિકાસગૃહમાં મોકલી દેવામાં આવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક સગીરા કે જેના સંપર્કમાં તે જ વિસ્તારમાં રહેતો સંજય ભીમજી મકવાણા નામનો શખ્સ આવ્યો હતો, અને તેણે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેણીની સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
આખરે સગીરાએ પોતાના પરિવાર વગેરે સહિત જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની સાથે અનેક વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી.
જે ફરિયાદના આધારે સીટી બી. ડિવિઝનના પી.આઇ. અને તેમનો સ્ટાફ દોડતો થયો હતો, અને આરોપી સંજય ભીમજી મકવાણાને ઝડપી લીધો હતો. અને તેની વિશેષ પૂછપરછ કરી હતી. જ્યારે પોલીસે જે સ્થળે બનાવ બન્યો હતો, તે જગ્યાએ પંચનામું કરીને કેટલાક પુરાવાઓ એકત્ર કર્યા હતા. ત્યારબાદ તેને અદાલત સમય રજૂ કરાતાં જેલહવાલે થયો છે.
આ ઉપરાંત ભોગ બનનાર સગીરા કે જેની તબીબી ચકાસણી કરાયા પછી પોલીસ દ્વારા વિશૅષ પૂછપરછ કરાતાં તેણીએ પોતાના માવતરે જવાને બદલે વિકાસગૃહમાં જવાનું પસંદ કર્યું હતું. જેથી પોલીસે ભોગ બનનાર સગીરાને વિકાસગૃહમાં મોકલાવી દીધી છે.