નવો રોડ બનાવવાના નામે પહેલેથી જ બનેલા રોડ પર ડામર પાથરવાનું યથાવત
વડોદરાઃ વડોદરા શહેરમાં ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરના કારણે તો ઘણા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાનું જોખમ તો રહે જ છે પરંતુ તેની સાથે સાથે હવે રોડ બનાવવાના નામે ડામરનું કાર્પેટિંગ પર કાર્પેટિંગ કરવાથી પણ સંખ્યાબંધ વિસ્તારોમાં લોકો ચોમાસામાં પાણી ભરાવાની આપદાનો સામનો કરી રહ્યા છે.
કહેવાતી સ્માર્ટ સિટીના શાસકોએ છેલ્લા કેટલાક વર્ષોથી નવો રોડ બનાવવાનો આવે તો પહેલેથી બનેલા રોડને ખોદવાની જગ્યાએ તેના પર જ ડામરના થર પાથરવાની સાવ અણઘડ નીતિ અપનાવી છે.જેના કારણે હવે ઘણા વિસ્તારોમાં રોડનું લેવલ આસપાસની સોસાયટીઓ કે દુકાનો કરતા ઉંચુ થઈ ગયું છે.બીજી તરફ વોલ ટુ વોલ કાર્પેટિંગના નામે ડામર પાથરી દેવાતો હોવાથી પાણીનો નીકાલ કરવાની વ્યવસ્થા જ નથી હોતી.જેના કારણે રોડના પાણી સોસાયટીઓમાં ઘરોમાં કે દુકાનોમાં પ્રવેશે છે.
આમ છતા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ રોડ બનાવવાના નામે લોકોના ઘરોમાં પાણી ભરાવાનો કારસો યથાવત રાખ્યો છે.તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા કબ્રસ્તાનથી આર્ય કન્યા વિદ્યાલય સુધીનો મુખ્ય રોડ નવો બનાવવાના નામે પહેલેથી બનેલા રોડ પર ડામર પાથરીને રોડનું લેવલ પહેલા હતું તેના કરતા વધારે ઉંચું કરી દેવાયું છે.તેના પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં પૂનમ કોમ્પ્લેક્ષથી શાસ્ત્રી બાગ જવાનો રોડ પણ આ જ રીતે બનાવી દેવાયો છે.
શહેરના ઘણા વિસ્તારોમાં તો આ રીતે રોડ બનાવવાના કારણે હવે રસ્તા અને ડિવાઈડરનું લેવલ લગભગ એક થઈ ગયું છે પરંતુ કોર્પોરેશનના શાસકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા.એવું લાગે છે કે, કોર્પોરેશનને વડોદરાના લોકોને હેરાન કરવામાં જ રસ છે.જૂનો રોડ ખોદીને નવો રોડ બનાવવાનો હોય તેવી એક સામાન્ય બાબત પણ શાસકોના ભેજામાં ઉતરતી નથી.
વાઘોડિયા રોડ પર રહેતા લોકોએ વિરોધ પણ કર્યો હતો
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પાણીની ટાંકીથી વૃંદાવન સુધીનો મુખ્ય રસ્તો બનાવવાના નામે ૨૦૨૧માં કાર્પેટિંગ પર જ ફરી કાર્પેટિંગ શરુ કરવામાં આવ્યું ત્યારે પ્રભુનગર અને આસપાસની સોસાયટીઓના લોકોએ વિરોધ પણ કર્યો હતો.સ્થાનિક રહેવાસી કલ્પેશ પટેલનું કહેવું છે કે, તે વખતે પણ અમે રજૂઆત કરી હતી કે, ડામર પર ડામરના થર પાથરવાના કારણે વાઘોડિયા રોડની સોસાયટીઓનું લેવલ મેઈન રોડ કરતા ઘણું નીચે જતું રહ્યું છે અને વરસાદના પાણી રોડ પરથી સોસાયટીઓમાં પ્રવેશે છે.અમારા વિરોધના કારણે તે સમયે કામ રોકાયું હતું પરંતુ એ પછી કોર્પોરેશને અને કોન્ટ્રાકટરે પોતાનું ધાર્યું કરીને પહેલેથી બનેલા રોડ પર જ કાર્પેટિંગ કર્યું હતું.આજે વાઘોડિયા રોડની સ્થિતિ અત્યંત કફોડી છે અને દરેક ચોમાસામાં માંડ ચાર-પાંચ ઈંચ વરસાદમાં સોસાયટીઓ જળબંબાકાર થઈ જાય છે.કારણકે રોડ પરનું પાણી સીધું સોસાયટીઓમાં પ્રવેશે છે.
રિક્લેમ આસ્ફાલ્ટ પેવમેન્ટ ટેકનિકનો ઉપયોગ થવો જોઈએ
રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એક પૂર્વ અધિકારીએ કહ્યું હતું કે, રોડની જાડાઈ તેના પરથી કેટલા ભારદારી વાહનો પસાર થાય છે તેના આધારે નક્કી કરી શકાય છે.દરેક જગ્યાએ એક જ ધારાધોરણ લાગુ ના કરાય.ખરેખર તો નવો રોડ બનાવવો જ હોય તો પહેલા જૂના રોડનો ડામર ઉખાડીને તેમાં જ બીજો જરુરી ડામર અને બીજું મટિરિયલ ઉમેરીને નવેસરથી રોડ બનાવવો જોઈએ.જેને રિક્લેમ આસ્ફાલ્ટ પેવમેન્ટ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે.ઉપરાંત બધા જ રોડ નવેસરથી બનાવવાની પણ જરુર નથી હોતી.રોડની સ્થિતિ વધારે ખરાબ ના હોય તો રોડની ઉપરની ૧૦ થી ૧૫ મિલિમીટરની સરફેસની પણ ટ્રીટમેન્ટ કરીને રોડમાં સુધારા વધારા કરી શકાય છે.