ભુજમાં સુથાર કારીગરે ઈલેક્ટ્રીક કટર ગળે ફેરવીને આપઘાત કર્યો
કર્મચારીને ચા લેવા મોકલી પળવારમાં આત્મઘાતી પગલું
પારિવારીક કારણ જવાબદાર : પોલીસે તમામ પાસા તપાસવા હાથ ધરી તપાસ
જાણવા મળતી વિગતો મુજબ ભુજના વાલદાસનગર ખાતે રહેતા ૩૬ વર્ષિય ચેતન જેન્તીભાઈ જોટાણીયા રવિવારે સવારે ૯ વાગ્યે પોતાની મહાવીરનગર ખાતે આવેલી ચામુંડા વુડન ફર્નિચર નામની દુકાન ખોલીને કર્મચારીને ચા લઈ આવવા જણાવ્યું હતું. કર્મચારી ચા લેતા ગયો ત્યારબાદ ચેતને પુશબટનવાળી લાકડા કાપવાની કટર પોતાના ગળાના ભાગે ફેરી દઈને જિંદગીનો કરૂણ અંત આપી દીધો હતો. કર્મચારી ચા લઈને આવ્યો ત્યારે ચેતનને લોહીથી લથબથ જોતા આસપાસના લોકોને જાણ કરી હતી, ચેતને આત્મહત્યા કરી છે તેની જાણ ભુજ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા સ્થળ પર પોલીસની ટીમ પહોંચી આવી હતી, હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો, ચેતને ગળે કટર ફેરવી હોવાથી જમીન પર લોહી જોવા મળ્યા હતા.
એ ડિવિઝનના પીએસઆઈ ડી.ઝેડ રાઠવાના જણાવ્યા પ્રમાણે ચેતનને પારિવારીક સમસ્યા હતી, બે દિવસ પૂર્વે તેની પત્ની પિયરમાં ગઈ હતી, માનસિક અસ્વસ્થાને લઈને આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળે છે. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળવા પામી નથી, હતભાગીના પરિવારની પૂછપરછ બાદ વધુ હકીકતો બહાર આવવા પામશે.
બનાવ પાછળ ૫ારિવારિક કારણ! સંતાનમાં પુત્ર અને પુત્રી
ચેતન જોટાણીયાના આત્મહત્યા પ્રકરણમાં પોલીસે હતભાગીના મોબાઈલની કોલ ડીટેઈલ મેળવવાની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પરિવારજનોની પૂછપરછ આવતીકાલે હાથ ધરવામાં આવશે. હાલમાં આત્મહત્યા પાછળ આર્થિક નહી પણ પારિવારીક કારણ હોવાનું કહેવાઈ રહ્યું છે. ચેતનનો એક ૯ વર્ષિય પુત્ર જેમીન અને ૧૬ વર્ષિય પુત્રી ખુશી છે. હતભાગી દરેક ધાર્મિક પ્રસંગોમાં લોકોને બનતી મદદ કરતો હતો.