નેશનલ હાઈ-વે પર સાણોદરના પાટીયા પાસે કારની ગૂલાંટ, સાળા-બનેવીના મોત
- બે કાર વચ્ચે ફસાઈ જવાના કારણે ત્રીજી કાર પલટી મારી ગઈ
- ભંડારિયાનો પરિવાર માતાજીનો માંડવો પૂર્ણ કરી પાલિતાણાથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયોઃ ત્રણને ઈજા
ગમખ્વાર અકસ્માતની વિગત એવા પ્રકારની છે કે,ઘોઘા તાલુકાના ભંડારીયા ગામના વતની દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ ( ઉ.વ.૩૫) ભવુબેન દિનેશભાઈ,મુકતાબેન દિનેશભાઈ અને જીતુભાઈ ધરંમશીભાઈ પરમાર (ઉ.વ ૪૦) તથા અન્ય એક બાળક કાર લઈને પાલીતાણા ગામે માતાજીના માંડવે ગયા હતા અને પ્રસંગ પૂર્ણ કરી પરત પોતાને ગામ આવી રહ્યા હતા તે દરમિયાન ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સણોદરના પાટિયા પાસે બે કારની વચ્ચે આ કાર આવી જતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર પલટી મારી ગઈ હતી.અકસ્માતના પગલે કારમાં સવાર બે મહિલા સહિત પાંચ લોકોને ગંભીર ઇજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જીતુભાઈ ધરંમશીભાઈ પરમાર અને દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ બન્નેના મોત નીપજ્યા હતા.જયારે, અન્ય ત્રણની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ થતા ઘોઘા પીએસઆઈ બી.કે ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, બે કાર વચ્ચે ભંડારીયાના પરિવારની કાર આવી જતાં આ અકસ્માતમાં થયો હતો. જેમાં બન્ને મૃતક સાળા-બનેવી થતાં હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ મૃતકનો પરિવાર અંતિમ વિધિમાં હોવાથી વિધિવત ફરિયાદ નોંધાઈ ન હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.