Get The App

સુરતમાં બે બાઈકને અડફટે લઈ કાર પલટીઃ ભાઇ-બહેન સહિત ત્રણના મોત, માનવ વધનો ગુનો દાખલ

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
સુરતમાં બે બાઈકને અડફટે લઈ કાર પલટીઃ ભાઇ-બહેન સહિત ત્રણના મોત, માનવ વધનો ગુનો દાખલ 1 - image


Surat Car-Bike Accident: સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પૂરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યા બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બે બાઈક ચાલકના મોત થયા હતા, જ્યારે એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેનું આજે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બે સગા ભાઇ બહેનોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કારચાલક વિરૂદ્ધ માનવ વધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક મહેશભાઈ નાનજીભાઈ લાઠીયા (ઉં. 48 રહે. માતૃ શક્તિ સોસાયટી, પૂણા ગામ)ને પણ એડફેટે લીધા હતા. બાદમાં કાર પલટી ખાઇ જઇ ડિવાઇડર સાથે અથડાઈ હતી. 

આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં ડોક્ટરે વારાફરથી બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેનું પણ આજે સોમવારે સવારે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

આ દરમિયાન કાર ચાલક અર્જુન વિરાણી (ઉં. 34, રહેઠાણઃ મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા)ને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસે સોંપી દીધો હતો. આ કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરે છે. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, આ અકસ્માતના મૃતક રાજેશભાઇ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની હતા. તે  બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા જતા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. રાજેશને એક ભાઈ અને એક બહેન છે. તે ડાયમંડ નગરમાં જોબવર્કનું કામ કરતા હતા. આ ઉપરાંત મૃતક મહેશભાઈ મૂળ ભાવનગરના બગદાણાના વતની હતા અને રવિવારે સાંજે લસકાણા ડાયમંડ નગરમાં બાઈક પર ઘરે જતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તે ટેક્સટાઇલ માર્કેટમાં જોબવર્ક કરતા હતા. 


Google NewsGoogle News