લાલબાગ બ્રિજ નજીક એસ.ટી.ડ્રાઇવર પર કાર ચાલકનો હુમલો
આગળ જતા બાઇક સવારને બચાવવા બસ ચાલકે બ્રેક મારતા ઝઘડો થયો હતો
વડોદરા,લાલબાગ બ્રિજ નજીક એસ.ટી.બસના ડ્રાઇવરે બાઇક ચાલકને બચાવવા બ્રેક મારી હતી. જેના કારણે પાછળ આવતા કાર ચાલકે બસ ડ્રાઇવર સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામે રહેતા હર્ષદ મનસુખભાઇ મકવાણા એસ.ટી.માં છેલ્લા પોણા ત્રણ વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે પોણા નવ વાગ્યે સુરતથી મુસાફરોને ભરીને જસદણ જવા માટે નીકળ્યો હતો. અમારી બસ મકરપુરા ડેપો થઇ લાલબાગ બ્રિજ ચડતી હતી. તે સમયે બસની આગળ એક બાઇક ચાલકને બચાવવા માટે મેં બ્રેક મારી હતી. તે દરમિયાન મારી બસની પાછળ આવતી એક કાર ચાલકે પણ બ્રેક મારી હતી.તે મને ગાળો બોલવા લાગ્યો હતો. કાર ચાલકે તેના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા. એકદમ બ્રેક કેમ મારી ? તેવું જણાવીને ગાળો બોલતો હતો. મેં બસની કેબિનમાંથી નીચે ઉતરી મારા મોબાઇલમાં ફોટો પાડી લીધો હતો. તેના મિત્રોએ મને માથાના ભાગે ફેંટો મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. મેં ૧૦૦ નંબર પર કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. પોલીસની ગાડી આવતા તેઓ ભાગી ગયા હતા.