કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ચાર બાઇકને અડફેટે લીધા
- ધ્રાંગધ્રા શહેરની ચરમાળીયાના ગ્રાઉન્ડ પાસેનો બનાવ
- અકસ્માત સર્જી કાર ચાલક ફરાર : ચાલક બિલ્ડર પુત્ર હોવાની ચર્ચા : ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરીમાં પુરપાટ જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાનગી હોસ્પિટલના પગથીયા પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. કારે હોસ્પિટલ નજીક પાર્ક કરેલા બે થી ત્રણ બાઈકને અડફેટે લેતા નુકસાાન થયું છે. અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઇ રહ્યાં છે. પ્રાથમિક માહિતી અનુસાર કારનો ચાલક બિલ્ડર પુત્ર હોવાનું બહાર આવ્યું છે.
ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયાના ગ્રાઉન્ડ પાસે આવેલી ખાનગી 'જીંદગી હોસ્પિટલ' રોડ પર રાત્રીના સમયે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર હોસ્પિટલના પગથીયા પર બેસેલા લોકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે કારચાલકે હોસ્પિટલની નજીક પાર્ક કરેલ ત્રણથી ચાર બાઈક તેમજ ટુ વ્હીલરને પણ અડફેટે લેતા નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર અકસ્માતનો વીડિયો પણ સોશિલ મીડિયામાં વાયરલ થયો હતો.
જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. સદ્દનસીબે રાત્રીનો સમય હોવાથી બાઈક પર કે રસ્તા પર અવર-જવર ઓછી હોવાથી જાનહાની ટળી હતી. આ બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમીક તપાસમાં નાસી છુટેલ કારચાલક કોઈ નામાંકીત બિલ્ડર હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર બનાવ હિટ એન્ડ રનનો બનાવ છે કે પછી અચાનક વાહનમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાયો અથવા કારચાલક નશામાં ધુત હતો સહિતના પ્રશ્નો અંગે લોકોમાં ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.