ઓળક પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત
- કાર રોડની સાઈડમાં ખાબકતા બે યુવકને સામાન્ય ઈજા
- લખતરથી લગ્નની મીઠાઈ લઈ યુવકો પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડયો
સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે પર કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા કારને નુકસાન પહોંચ્યું હતું જ્યારે કાર ચાલક સહિત બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
લખતર તાલુકાના ઓળક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી બે યુવક કાર લઈને લખતર મીઠાઈ લેવા આવ્યા હતા. મીઠાઈ લઈને પરત ઓળક જઈ રહ્યાં હતા ત્યારે કડુ અને ઓળક વચ્ચે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી ખાડામાં ખાબકતા નુકસાન પહોંચ્યું હતું . જ્યારે કારચાલક સહિત બે યુવકોને સામાન્ય ઈજાઓ પહોંચતા જાનહાની ટળી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ બંને યુવકોને કારમાંથી બહાર કાઢયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.