બરોડા ડેરી પાસે કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા મોત
અકસ્માત કરીને ભાગી ગયેલા આરોપીની કારના નંબરના આધારે તપાસ
વડોદરા,રવિવારે રાતે બરોડા ડેરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવારને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તરસાલી જી.ઇ.બી. ક્વાટર્સમાં રહેતા મનોજભાઇ દિલીપભાઇ રાજે તેમના ઘરેથી બાઇક લઇને ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે બરોડા ડેરી તરફ જતા હતા. સામેના રોડ પર કામ ચાલતું હોઇ તે રોડ બંધ હતો. એક જ રોડ પર બંને તરફનો ટ્રાફિક અવર - જવર કરતો હતો. તે દરમિયાન સામેથી આવતી એક કારના ચાલકે મનોજભાઇની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. મનોજભાઇને મથાના પાછળના ભાગે તથા જમણા હાથ અને પગ પર ઇજા થતા સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. અકસ્માત કરીને ભાગી ગયેલા કાર ચાલકના નંબરના આધારે પોલીસે કાર માલિક મનોજ સભાપતી શર્મા (રહે.દંતેશ્વર) ની શોધખોળ હાથ ધરી છે. મનોજભાઇ મકરપુરા જી.આઇ.ડી.સી.માં નાસ્તાની લારી ચલાવે છે.