સમા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ,કારચાલક અર્પિત પટેલની ધરપકડ
વોડદરાઃ શહેરમાં પુરપાટ કાર હાંકવાને કારણે એક્સિડન્ટના સતત બનાવો બની રહ્યા છે ત્યારે આજે સમા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ફેરવી દેવાનો પ્રયાસ થતાં સમા પોલીસે હત્યાના પ્રયાસના ગુના બદલ કાર ચાલકની ધરપકડ કરી હતી.
ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીત સિંહ ઉદેસિંહે પોલીસને કહ્યું હતું કે,આજે સવારે તેઓ સમા થી અમિતનગર જવાના ટી પોઇન્ટ સર્કલ પાસે ફરજ પર હતા ત્યારે એક કાર ચાલક ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી પૂરપાટ ધસી આવતાં મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ કાર ચાલકે કાર ઉભી રાખી નહતી અને મારા પર ચડાવી દીધી હતી.હું નીચે પછડાતાં કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ બાદ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હોસ્પિટલમાં લઇ જવાતાં તેને હાથે અને ખભે ગંભીર ઇજા પહોંચી હોવાનું જણાયું હતું.
ઉપરોક્ત બનાવને પગલે સમા પોલીસના પીઆઇ એમ બી રાઠોડે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર ચાલક અર્પિત જિતેન્દ્રભાઇ પટેલ(વેમાલી ગામ,તા. વડોદરા)ને ઝડપી પાડયો હતો.પિતાની સાથે ખેતી કરતા અર્પિતની હોન્ડા કાર કબજે લેવામાં આવી હતી.
ડીસીપી પન્ના મોમાયાએ સીસીટીવી ફૂટેજ તપાસવા ટીમો બનાવી,ઘેરથી પકડયો
પોલીસ કર્મીની હત્યાના પ્રયાસનો બનાવ બનતાં ડીસીપી પન્ના મોમાયાએ સમા પોલીસની બે ટીમો બનાવી હતી.
પોલીસે એક પછી એક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને કારચાલકનું પગેરું શોધતી તેને ઘેર પહોંચી હતી.કારચાલક અર્પિત પટેલે જાણે કાંઇ બન્યું જ નહોય અને પોતે અજાણ હોય તે રીતે વર્તાવ કર્યો હતો.
આરોપીએ દારૃનો નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે પોલીસે તેના મેડિકલ ટેસ્ટની તજવીજ કરી હતી.આરોપી સામે પૂરઝડપે કાર ચલાવી લોકોની જિંદગી જોખમમાં મુકવા બદલ,પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ ટ્રાફિક નિયમોના ભંગ કરવા જેવા ગુના હેઠળ તેની ધરપકડ કરી હતી.