વડોદરાના દાંડિયા બજારમાં અકોટા બ્રિજ પર બેટરીમાં સ્પાર્ક થતા કારમાં આગ
Vadodara Car Fire : વડોદરાના અકોટા બ્રિજ પર કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઇ આગ બુઝાવી હતી. ભરચક ટ્રાફિકના કારણે સ્ટાફને ઘટના સ્થળ સુધી પહોંચવામાં તકલીફ પડી હતી.
ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, અકોટા બ્રિજ પર કારમાં આગ લાગી છે. જેના પગલે સ્ટાફ દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી. કાર ચાલક શૈલેષ પુરાણીએ જણાવ્યું હતું કે, અમારે એક પ્રસંગમાં જવાનું હોઇ કારના ટાયરમાં હવા ભરાવવા માટે કાર લઇને નીકળ્યો હતો, કાર ચલાવતો હતો તે સમયે બાજુમાંથી પસાર થતા બાઇક ચાલકે કારમાંથી ધુમાડા નીકળતા હોવાનું જણાવતા મેં કાર ઉભી રાખી હતી. કારના બોનેટમાંથી ધુમાડા નીકળતા હતા. બેટરીમાં થયેલા સ્પાર્કના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. બનાવના પગલે અકોટા દાંડિયા બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.