Get The App

સરધાર પાસે અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી, 4ના મોત

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
સરધાર પાસે અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી, 4ના મોત 1 - image


રાજકોટ નજીક સરધાર-ભુપગઢ રોડ પર બે મોટરકાર વચ્ચે ભયાનક અકસ્માત : ભંડારીયા લગ્નમાં હાજરી આપીને ગોંડલ આવતા હતા, અલ્ટો કારમાં બેઠેલા 3 વર્ષની બાળકી સહિત 4ના મોત, કારચાલક સહિત 3ને ઈજા 

રાજકોટ, : રાજકોટમાં ઉપરાઉપરી ભયાનક અને કદિ ન બન્યા હોય તેવા અકસ્માતોનો સિલસિલો શરૂ થયો છે. આજે સાંજે રાજકોટ-ભાવનગર રોડ પર સરધાર નજીક સરધાર થી ભુપગઢ જતા આંતરિક માર્ગ પર રસ્તામાં બે મોટરકારો સામસામે અથડાતા અને અકસ્માત બાદ કારમાં આગ ભભુકી ઉઠતા અલ્ટો મોટરકારમાં બેઠેલા ચાર વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને કારચાલક સહિત ત્રણને હોસ્પિટલે ખસેડાયા છે. આ કાર ફંગોળાઈને રોડ નીચે ઉતરી ગઈ હતી જ્યારે સામે અથડાયેલી હોન્ડા સિટી કારમાં આગળના ભાગમાં આગ લાગી હતી.  ભંડારીયા આવેલા મકવાણા કોળી પરિવારને સરધારથી 2 કિ.મી. દૂર અકસ્માત નડયો હતો.

ધડાકાભેર અકસ્માત થયાની જાણ થતા જ ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતા અને રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર ધસી જઈને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અલ્ટો કાર નં. GJ012247 તો રોડ નીચે ઉતરીને આખી કાર આગની ઝપેટમાં આવી હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી અને સામે ભટકાયેલી હોન્ડા સિટી કાર નં. GJ01HM 7890 ના બોનેટમાં પણ આગ લાગી હતી જે થોડા સમય બાદ આખી કારમાં પ્રસરી હતી.  બળીને થોડીવારમાં ખાખ થઈ ગયેલી અલ્ટો કારમાં બેઠેલા (1) નિરૂબેન અતુલભાઈ મકવાણા (ઉ.વ. 35), (2) 3 વર્ષની બાળકી હેત્વીબેન અતુલભાઈ મકવાણા (3) મીત અશોકભાઈ સાકરિયા (ઉ. 12) અને (4) હેમાંશીબેન સાહિલભાઈ સરવૈયા (ઉ. 22)ના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કાર ચલાવી રહેલા સાહિલ ભુપતભાઈ સરવૈયા (ઉ.વ.21 રહે.વિજયનગર, માર્કેટ યાર્ડ પાછળ, ગોંડલ)ને દાઝી જવાથી તેમજ  આ કારમાં બેઠેલા હિરેન અતુલભાઈ મકવાણા (ઉ.વ. 11) અને નીતાબેન અશોકભાઈ સાકરીયા (ઉ.વ. 35 રહે.ગોવિંદ રત્ન સોસાયટી, ગોંડલ)ને ઈજા થવાથી ત્રણેયને સિવિલ હોસ્પિટલે ખસેડાયેલા છે. 

 એ.સી.પી.રાધિકા ભારાઈ અને આજી ડેમ પોલીસ મથકના પી.આઈ. એ.બી.જાડેજાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મૂજબ કાર સી.એન.જી.થી ચાલતી હતી. અલ્ટો કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે ડ્રાઈવરનો બચાવ થયો હતો.જ્યારે હોન્ડાસિટી કાર કે જેમાં બોનેટમાં આગ લાગ્યા બાદ આખી કાર આગની ઝપેટમાં આવી હતી તેમાં જાનહાનિ નથી. આગનું કારણ એફએસએલ રિપોર્ટ બાદ બહાર આવી શકશે. અકસ્માત બાદ ગેસ કારમાં પ્રસરતા આગ લાગ્યાનું અનુમાન છે ઉપરાંત જે કારમાં ભીષણ આગ લાગી તેમાં દરવાજો નહીં ખુલતા બે વ્યક્તિઓને પાછળના તુટેલા કાચમાંથી બહાર કાઢ્યાનું જણાવાયું છે. આગના કારણ સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ છે

Tags :