યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીની કેન્ટીન ૬ મહિનાથી બંધ હાલતમાં
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની કેન્ટીન છેલ્લા ૬ મહિનાથી બંધ છે.આ પહેલા પણ દોઢ વર્ષ સુધી આ કેન્ટીન બંધ રહી હતી.
મળતી વિગતો પ્રમાણે નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું એ પછી આ કેન્ટીન ચાલુ જ નથી થઈ.જેના કારણે હવે વિદ્યાર્થીઓની સાથે સાથે અધ્યાપકો પણ હેરાન થઈ રહ્યા છે.ફેકલ્ટીમાં તાજેતરમાં જ લેવાયેલી તમામ વર્ષોની પહેલા સેમેસ્ટરની પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા માટે સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ શરુ કરવામાં આવ્યો છે.કેન્ટીન બંધ થઈ જવાના કારણે ઉત્તરવહીઓ તપાસતા અધ્યાપકોને ચા મળવાનું પણ બંધ થઈ ગયું છે.સત્તાધીશોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તસદી લીધી નથી એટલે અધ્યાપકો જાતે જ ચા પીવા બહાર જાય છે અથવા કોઈની પાસે મંગાવે છે.બીજી તરફ હજારો વિદ્યાર્થીઓ તો કેન્ટીન વગર મુશ્કેલી અનુભવી જ રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે લગભગ દોઢ વર્ષ સુધી કેન્ટીન બંધ રહ્યા બાદ ગત વર્ષે આ કેન્ટીન એનબીએ( નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન) ની ટીમ મુલાકાતે આવનાર હોવાથી જેમ તેમ કરીને ચાલુ કરાવવામાં આવી હતી.જોકે એ પછી તરત ઉનાળું વેકેશન પડયું હતું એટલે કેન્ટીનને ફરી તાળા વાગ્યા હતા.ઉનાળું વેકેશન પૂરુ થઈ ગયા બાદ નવુ શૈક્ષણિક સત્ર શરુ થયે ૬ મહિના થઈ ગયા પણ સત્તાધીશો કેન્ટીનના તાળા ખોલાવી શક્યા નથી.મળતી માહિતી પ્રમાણે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપવાની કાર્યવાહી કરવામાં પણ ફેકલ્ટી સત્તાધીશો નિષ્ફળ ગયા છે.
અરજીઓનું વેરિફિકેશન નહીં થવાથી અધ્યાપકોના પ્રમોશનમાં વિલંબ
ટેકનોલોજી ફેકલ્ટીના એક અધ્યાપકે કહ્યું હતું કે, ફેકલ્ટીના અધ્યાપકોના પ્રમોશન માટે સરકારના ટેકનિકલ એજ્યુકેશન વિભાગે કાર્યવાહી શરુ કરી છે.આ માટે અધ્યાપકોએ સરકારના પોર્ટલ પર પોતાની તમામ જાણકારી અપલોડ કરવાની સાથે અરજી કરવાની છે.અધ્યાપકોએ સપ્ટેમ્બર મહિનામાં જ ઓનલાઈન અરજી કરી દીધી હતી પરંતુ ફેકલ્ટી સત્તાધીશોએ ફેકલ્ટી સ્તરે અરજીઓના વેરિફિકેશનની કામગીરી જ પૂરી નહીં કરી હોવાથી અધ્યાપકોના પ્રમોશનની કાર્યવાહી આગળ વધી રહી નથી.