વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે કેન્ડલ માર્ચ : દાહોદમાં શાળાની માસુમ બાળકીની હત્યા કરનાર આચાર્યને ફાંસીની સજા આપવા માગ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે કેન્ડલ માર્ચ : દાહોદમાં શાળાની માસુમ બાળકીની હત્યા કરનાર આચાર્યને ફાંસીની સજા આપવા માગ 1 - image


Vadodara Congress : દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી ગામની પ્રાથમિક શાળાની ધોરણ 1 ની માસુમ બાળકીની કારમાં હત્યા કરનાર આચાર્ય સામે ફિટકાર વરસી રહ્યો છે. વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે આ બાળકીના પરિવારને ન્યાય અપાવવા ન્યાય માર્ચ અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6:45 કલાકે જુના ન્યાય મંદિર પાસે, ભગતસિંહની પ્રતિમા નજીકથી આ કેન્ડલ માર્ચ શરૂ થશે. જેમાં વડોદરા શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ કેન્ડલ માર્ચ ગાંધીનગર ગૃહ પહોંચશે, અને ત્યાં ધરણા કરશે. કેન્ડલ માર્ચ બાદ આવતીકાલે આવેદનપત્ર સુપ્રત કરશે.

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ અને વડોદરા કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે દાહોદમાં છ વર્ષની દીકરી ઉપર ભાજપ સાથે સંકળાયેલા તેમજ આરએસએસના પ્રચારક અને શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા કારમાં બાળકી પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. બાળકી રડવા લાગતા તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આચાર્યને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈ તારીખ 19મી એ 56 વર્ષીય આચાર્ય ગોવિંદ નટ પોતાની કારમાં શાળાએ જતો હતો, ત્યારે રસ્તામાં તેણે બાળકીને માતા સાથે ઉભેલી જોઈ હતી. તેને બાળકીને પોતાની કારમાં બેસાડી દીધી હતી, અને એકાંત વાળા રસ્તા પર તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરી, મોઢું દબાવી દઈ શ્વાસ રૂંધાવી, હત્યા કરી દીધી હતી. બાળકીની લાશને પોતાની કારમાં રાખી મૂકી હતી. શાળા છૂટ્યા બાદ લાશ શાળાના કમ્પાઉન્ડમાં મૂકી દીધી હતી. આ બનાવના ગુજરાત ભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બનાવની રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ  થઈ હતી અને એ પછી આચાર્યની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લીધો હતો. જોકે આચાર્યને હવે દેવગઢ બારીયાની સબ જેલમાં ધકેલી દેવાયો છે. ગઈકાલે સિંગવડમાં કોંગ્રેસની રેલી યોજાઇ હતી અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ફાંસી આપવાની માગણી કરી હતી.


Google NewsGoogle News