ડૉક્ટરોને સરકારી કરતા પ્રાઇવેટ સેક્ટર વધુ પસંદ! GPSCની ભરતીમાં કોઈએ અરજી ન કરતા તારીખ લંબાવાઈ
Gujarat Health Department Recruitment : ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની 29 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2024 હતી. જો કે, ઓનલાઈન આવેદન કરવાની નિયત તારીખ સુધીમાં કોઈ ઉમેદવારોએ અરજી ન કરતા આયોગ દ્વારા ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી છે.
GPSCની આરોગ્ય વિભાગની ભરતીની તારીખ લંબાવાઈ
રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ વિષયોના પ્રાધ્યાપક વર્ગ 1 અને સહ-પ્રાધ્યાપક, વર્ગ 1ની જગ્યા પર ભરતી કરવા માટે GPSC દ્વારા 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ભરતીમાં વિવિધ સંવર્ગ માટે 29 જેટલી જગ્યાઓ હતી. જેમાં પે મેટ્રિક લેવલ 13 હેઠળનો પગાર હોવા છતાં પણ ઉમેદવારોએ અરજી ન કરી ન હતી. ત્યારબાદ આયોગ દ્વારા અરજી માટેની તારીખ લંબાવવામાં આવી છે.
GPSCના ચેરમેન હસમુખ પટેલે શું કહ્યું?
GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ઉમેદવારો ન મળતા જાહેરાત ક્રમાંક 90-96/2024-25 કાર્ડિયોલોજી, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સીટીસર્જરીના પ્રાધ્યાપક અને કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી,સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના સહપ્રાધ્યાપક, GSS વર્ગ1 માટે અરજી કરવાની તારીખ 18 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે.
સિનિયર ડૉક્ટરે શું કહ્યું?
એક સિનિયર ડૉક્ટરનું કહેવું છે કે, આ પોસ્ટ માટે પ્રાઈવેટ સેક્ટરમાં સારા પ્રમાણમાં સેલેરી મળે છે. સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટિંગ આપવામાં આવતું હોય છે, આપવામાં આવે છે, જ્યારે પ્રાઈવેટ સેક્ટરમાં મોટેભાગે મેટ્રો સિટીમાં હોય છે. સુપર સ્પેશ્યાલિટીમાં ફેસિલિટી વધુ હોવાથી સરકારી ભરતીની જગ્યાએ ઉમેદવારો પ્રાઈવેટ સેક્ટર વધુ પસંદ કરતા હોય છે.