Get The App

પોલીસ ભરતી પ્રક્રિયામાં બોગસ કોલ લેટર બનાવીને આવેલો કલોલનો ઉમેદવાર પકડાયો

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
પોલીસ ભરતી પ્રક્રિયામાં બોગસ કોલ લેટર બનાવીને આવેલો કલોલનો ઉમેદવાર પકડાયો 1 - image


- મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ચાલતી શારીરિક કસોટી દરમિયાન કિસ્સો સામે આવ્યો 

- ભેજાબાજે પોતાના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરીને ગુગલક્રોમમાં એડિટ કરીને પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી દીધો હોવાનો ઘટસ્ફોટ

મહેસાણા : મહેસાણા શહેરમાં આવેલ પોલીસ હેડ કવાર્ટરના મેદાનમાં હાલ પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરીક કસોટી પરીક્ષામાં સીફતપૂર્વક પોલીસ ભરતી બોર્ડનો ખોટો કોલ લેટર તૈયાર કરીને પહોંચેલા કલોલનો એક ભેજાબાજ ચકાસણી દરમિયાન પકડાઈ ગયો હતો. જેમાં પોતાના મિત્રના અસલી કોલ લેટરનો દુરૂપયોગ કરી પીડીએફ એડીટર એપ્લીકેશનના માધ્યમથી તેણે પોતાનું નામ લખી દઈ આબેહુબ રાજય પોલીસ ભરતી બોર્ડનો નકલી કોલલેટર તૈયાર કરી તેના આધારે પોલીસ ભરતીની શારીરીક કસોટીમાં આવ્યો હતો. આ અંગે એ ડિવિઝન  પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મહેસાણામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજય  પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની શારીરીક કસોટીની પ્રક્રિયા તા. ૫-૧-૨૦૨૫થી હાથ ધરવામાં આવેલ છે. નિત્ય કાર્યક્રમ અનુસાર બુધવારના રોજ સવારે પોલીસ ભરતીની કામગીરીમાં રોકાયેલા પોલીસ સ્ટાફ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હતા. તે વખતે ઉમેદવારોની બેચ નંબર પાંચનો એક ઉમેદવારને ચેસ્ટ નંબર ૦૯૩૩ પહેરાવીને રજિસ્ટ્રેશન માટે મોકલવામાં આવ્યો હતો. જયાં આ ઉમેદવારનું અગાઉ રજીસ્ટ્રેશન થઈ ચુક્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી તેના કોલલેટરમાં જોતા તેમાં ઉમેદવારનું નામ દીપકુમાર દિનેશભાઈ પરમાર રહે,સાંઈકૃપા સોસાયટી, કલોલ તેમજ કન્ફોર્મેશન નંબર ૬૨૮૯૦૮૩૨ તથા બેઠક ક્રમાક નંબર ૧૦૩૬૨૦૨૦ હોવાનું તેમજ શારીરીક કસોટી માટે તેને ૨૨  જાન્યુઆરીના  રોજ સવારે ૭ વાગે હાજર રહેવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારબાદ, આ અંગે ટાઈમીંગ ટેકનોલોજીના મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડના ઈન્ચાર્જ પાસે કોલલેટરની ચકાસણી કરવામાં આવતાં તેની ઉપર આજરોજ ચેસ્ટ નંબર ૦૫૫૭થી રજિસ્ટ્રેશન થયું હતું. તે ઉમેદવારનું નામ ચિરાગકુમાર ધુળાજી ઠાકોર હોવાનું તેમજ તેણે શારીરીક પરીક્ષા આપતાં નાપાસ થયો હોવાનું ખુલાસો થયો હતો. જેની ખરાઈ પોલીસ ભરતી બોર્ડમાં કરાવવામાં આવતાં આ હકિકતને સમર્થન મળ્યું હતું. 

પરિણામે, દીપ પરમારે રજૂ કરેલા કોલ લેટર ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવતાં ફરજ પરના પોલીસ અધિકારીએ ચિરાગ ઠાકોર અને દીપ પરમારની પુછપરછ કરી હતી. જેમાં બન્ને મિત્રો હોવાથી ચિરાગે પોતાનો અસલી કોલલેટરની પીડીએફ ફાઈલ તા.૯-૧-૨૦૨૫ના રોજ દીપે માંગતા વોટસએપ મારફત મોકલી હતી. તે પછી ભેજાબાજ દીપે તેના મોબાઈલમાં ગુગલ ક્રોમમાં જઈને પીડીએફ એડીટરના માધ્યમથી આ કોલલેટર ઉપર તેનું નામ લખી બનાવટી કોલલેટર બનાવી તેની પ્રીન્ટ કાઢી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બનાવટી કોલ લેટર બનાવીને પોલીસ ભરતીની શારીરીક કસોટી આપવા પહોંચેલા કલોલના ઝડપાયેલા ભેજાબાજ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 



Google NewsGoogle News