વિશ્વમાં કેન્સર વર્ષે 1 કરોડની જિંદગીને કેન્સલ કરે છે : ભારતમાં વર્ષે 15 લાખ કેસો

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
વિશ્વમાં કેન્સર વર્ષે 1 કરોડની જિંદગીને કેન્સલ કરે છે : ભારતમાં વર્ષે 15  લાખ કેસો 1 - image


ભારતમાં દર 9માંથી 1 વ્યક્તિને આ ભયાનક રોગનું જોખમ : બચવાના-મૃત્યુના ચાન્સ ફિફ્ટી ફિફ્ટીઃ ઈ. 2022માં ભારતમાં 14.61 લાખ સહિત વિશ્વમાં 2 કરોડ કેસોમાં 97 લાખના મૃત્યુ: ભારતમાં મહિલાઓમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર અને પુરૂષોમાં સૌથી વધુ લંગ કેન્સર થાય છે 

 રાજકોટ, : ઈ.સ. 2000માં નવા મિલેનિયમના પ્રારંભ સાથે પેરીસમાં યોજાયેલ વિશ્વ પરિષદ સાથે 23 વર્ષથી 4 ફેબ્રૂઆરીનો દિવસ કેન્સર દિવસ તરીકે મનાવાય છે જેનો હેતુ લોકો આ બીનચેપી અને ભયાનક રોગનો ભોગ ન બને તે માટે જાગૃત કરવાનો છે. કેન્સરના રોગનો વ્યાપ ફાસ્ટફૂડિયા લાઈફસ્ટાઈલ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના બે દિવસ પહેલાના છેલ્લા રિપોર્ટ મૂજબ દર વર્ષે હાલ કેન્સરથી વિશ્વમાં એક કરોડ લોકોના મોત નીપજે છે તો ભારતમાં વર્ષે અંદાજે 15 લાખ લોકો કેન્સરની ઝપટે ચડે છે. 

'ભારતમાં  એક અભ્યાસ મૂજબ ઈ. 2022માં 14.61લાખ કેસો નોંધાયા હતા અને દર 9 વ્યક્તિએ 1 વ્યક્તિને કેન્સર થવાનું જોખમ છે. પુરૂષોમાં ફેફસાં (લંગ)ના કેન્સર અને સ્ત્રીઓમાં છાતીના (બ્રેસ્ટ) કેન્સરનું પ્રમાણ ભારત સહિત વિશ્વભરમાં વધારે છે. જ્યારે બાળકોમાં લ્યુકેમિયા પ્રકારના કેન્સર વધારે જોવા મળ્યા છે. અભ્યાસમાં એવું અનુમાન કરાયું છે કે ઈ.સ. 2025માં ઈ. 2020ની સાપેક્ષે કેન્સરનું પ્રમાણ આશરે 13 ટકા વધારે રહેશે. 

જ્યારે 'હૂ 'ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં આ વર્ષમાં 2 કરોડ નવા કેસો નોંધાયા છે જેમાં 97 લાખ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. એટલે કે બચવાનો કે મૃત્યુ પામવાની સંભાવના આશરે પચાસ-પચાસ ટકા છે. 5 વર્ષથી કેન્સર ડિટેક્ટ થયું હોય અને જીવીત હોય તેવા લોકોની સંખ્યા 5.35 કરોડ છે. ગંભીર વાત એ છે કે વિશ્વની 20 ટકા વસ્તી એટલે કે દર 5એ 1 વ્યક્તિને જીવનમાં કોઈ પણ તબક્કે કેન્સરનું જોખમ છે. વિશ્વની કૂલ વસ્તીમાં દર 9માંથી 1  પુરૂષ અને દર 12માંથી 1 સ્ત્રીનું કેન્સરથી મૃત્યુ થાય છે અને કૂલ મૃત્યુમાં કેન્સરથી મૃત્યુનું પ્રમાણ આશરે 17  ટકા છે. 

શરીરના કોઈ પણ અંગમાં કેન્સર થઈ શકે પરંતુ, નોંધપાત્ર તારણ એ છે કે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પણ  સૌથી વધુ કેન્સરના કેસો છાતી અને ફેફસાંમાં થાય છે. ત્યારબાદ  કોલન અને પ્રોસ્ટેટનું અને ચામડી તથા કેન્સરનુ પ્રમાણ વધારે રહે છે. ભારતમાં મોઢાનું કેન્સર પણ વધારે થતું હોય છે. 

કેન્સર થવાની આમ તો કોઈ ઉંમર નથી, ખાસ કરીને હવે યુવાનોમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ રહી નથી, શ્રમ નથી ત્યારે નાની ઉંમરમા પણ કેન્સર જોવા મળે છંે પરંતુ, છેલ્લા અભ્યાસ મૂજબ 40 વર્ષ પછીની ઉંમરે આ જોખમ વધતું હોય છે.  વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મૂજબ ઈ.સ. 2050મા ઈ. 2022ની સરખામણીએ કેન્સર કેસોમાં 77 ટકાનો વધારો થવાનો ભય દર્શાવ્યો છે.


Google NewsGoogle News