આજથી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર-પડઘમ શાંત, મતદારો કોને પહેરાવશે જીતનો તાજ
Vav Assembly By Election : વાવ વિધાનસભાની પેટાચૂંટણી હવે તેના અંતિમ ચરણમાં પહોંચી છે. આગામી 13 મી નવેમ્બર 2024 ના રોજ મતદાન થશે. જોકે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. આજે સોમવારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પ્રતિષ્ઠાના જંગ સમી પેટા ચૂંટણીમાં વાવ બેઠકને અંકે કરવા ભાજપા, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, છેલ્લે તો મતદારો જ પોતાના ઉમેદવારને વિજયનો તાજ પહેરાવશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના સભ્ય એવા માવજીભાઈ પટેલે બળવાખોરી કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેના પગલે વાવ ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના પાંચ સભ્યોને ભાજપાના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવતાં રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો.
અમે ભાજપની મહેરબાની પર નથી જીવતા, બળવાખોર અપક્ષ ઉમેદવાર
ભાજપાના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવા મુદ્દે વાવ પેટા ચૂંટણીમાં ઝંપલાવનાર અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે ખોંખારો ખાઈને હુંકાર કરતાં કહ્યું કે, 'ભાજપે કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. અમે કોઈ પાર્ટીની મહેરબાની પર નથી જીવતા. અમે તો પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ. અમારા પગ ધરતી પર છે. ભાજપ ગમે તે પગલું ભરે અમે તૈયારી સાથે નીકળ્યા છે. જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા હોય, જેથી સામે સિંહ આવશે તો સિંહને પણ કંટ્રોલ કરીશું'. તેમણે ઉમેર્યું કે, અમે અને અમારી ટીમ અડીખમ છીએ.
આ પણ વાંચો: વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે પછી ઠાકોર સમાજનો ઠાઠ? જાણો કેવા છે જાતિગત સમીકરણો
ભાજપે પક્ષમાંથી પાણીચું પકડાવેલા સભ્યો
(1) માવજીભાઇ પટેલ (ડિરેકટર બનાસ બેંક)
(2) લાલજીભાઇ હમીરભાઇ ચૌધરી(પટેલ) (પૂર્વ ચેરમેન, માર્કેટયાર્ડ, ભાભર )
(3) દેવજીભાઇ પ્રેમાભાઇ પટેલ (પૂર્વ ચેરમેન જિ.ખ.વે.સંઘ,ડિરેક્ટર, જિ.ખ.વે.સંઘ)
(4) દલરામભાઇ નાગજીભાઇ પટેલ (ચેરમેન, માર્કેટયાર્ડ, ભાભર)
(5) જામાભાઇ ભુરાભાઇ પટેલ (પૂર્વ મહામંત્રી, સુઇગામ તાલુકા)
ભાજપની સભ્યોને સસ્પેન્ડ કરવાની ચાલ છે: કોંગી સાંસદ
વાવ પેટા ચૂંટણીમાં ભાજપના સભ્ય અને બળવાખોર અપક્ષ ઉમેદવાર સહિત પાંચ સભ્યોને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની આ પોલિટીકલ ચાલ છે. આ રાજનીતિનો એક ભાગ છે. જે બાબતે હું કંઈ કહેવા માગતી નથી તેમ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: વાવ બેઠક : ગેનીબેનનો રાજકીય ગ્રાફ ગગડાવવા ભાજપ 'શામ, દામ, દંડ, ભેદ'ની નીતિ અપનાવવા તૈયાર
10 ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી લગતી તમામતૈયારીઓન આખરી આપ આપવામાં આવ્યો છે. આ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓએ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 13મી નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચાર પ્રસારના પડધમ શાંત થઇ ગયા છે. જોકે તે બાદ આ ચૂંટણીમાં જોડાયેલા 10 ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે.
3.10 લાખ મતદારો દસ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 321 જેટલા પોલિંગ સ્ટેશનો આવેલા છે. જેમાં કુલ 3,10,681 જેટલા મતદારો આગામી 13મી નવેમ્બર 2024 ના રોજ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી, ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.જેમાં તારીખ 1૫ ઓક્ટોબર 2024 સુધીમાં 1,61,293 પુરૂષ 1,49,387, મહિલા અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. કુલ 2581 મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, 'કુલ 07 સખી મતદાન મથકો, 01 આદર્શ મતદાન મથક તથા 1-1 પીડબલ્યુડી તથા ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી- કર્મચારીઓ ફરજ બજાવશે.
જિલ્લા ના વેર હાઉસમાં રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે
જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે 626 સી.યું, 634 બી.યુ અને 623 વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદશત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય રહેશે.
વાવ પેટા ચૂંટણીમાં આશરે 2000 કર્મચારીઓ જોતરાયા
આગામી 13 નવેમ્બર, 2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા, મતદાન પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને મતદાન ઇવીએમ તેમજ અન્ય ચૂંટણી લગતી માહિતી અને તાલીમ આપવામાં આવી હતી. આ પેટા ચૂંટણીમાં 2000 થી વધુ કર્મચારીઓ રોકાયેલા છે.જેમાં ઝોનલ અધિકારી,માઇક્રો ઓબજર્વર,મતદાન મથક પ્રમુખ અધિકારી,મતદાન અધિકારી,બીએલઓ,પટાવાળા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
જેના વાવ મોડલ સ્કૂલ ખાતેના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોવસ્ત વચ્ચે ,કુલ 321 મતદાન મથક ,માટેના ઇવીએમ રખાયેલ છે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.15 આક્ટોબર, 2024 સુધીમાં 1,61,293 પુરૂષ, 1,49,387 અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે.