સુરતના અમરેલીમાં મિત્રએ જ હનીટ્રેપમાં ફસાવ્યો, ફોન કરીને કહ્યું 'ભાભીને લાવ્યો છું' તમારે આવવું હોય તો આવો
Surat Honey Trap : સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના 39 વર્ષીય રત્નકલાકારને તેના મિત્ર, મહિલા સહિત પાંચની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂ.75 હજાર પડાવતા કતારગામ પોલીસે રત્નકલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તેના જમીનદલાલ મિત્રની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના રોહિશાળા ગામના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 39 વર્ષીય રત્નકલાકાર રાજુભાઈ ( નામ બદલ્યું છે ) ને ગત બપોરે તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ફોન કરી કહ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું, તમારે આવવું હોય તો આવો. આથી રાજુભાઈ ઉમેશે આપેલા સરનામા કતારગામ કહાન ફળીયા સ્થિત આરાધના ભવન જૈન દેરાસરની પાછળ આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં આવેલા ઘર પાસે પહોંચ્યા હતા. ત્યાં બહાર ઉભેલો ઉમેશ રાજુભાઈને તે ઘરમાં લઈ ગયો ત્યાં ડ્રોઈંગ રૂમમાં ક્રીમ કલરની સાડી પહેરેલી મહિલા હાજર હતી.ઉમેશે રાજુભાઈને તે મહિલા સાથે જવા કહેતા બંને અંદરના રૂમમાં ગયા હતા અને ઉમેશ બહાર બેસેલો હતો. બંને ગાદલા ઉપર બેસેલા હતા ત્યારે ત્રણ અજાણ્યા દરવાજો ખોલીને અંદર આવ્યા હતા.
ત્રણેયે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પોતાનું આઈકાર્ડ બતાવી આ શું કરે છે કહી રાજુભાઈ અને બાજુમાં આવીને ઉભેલા ઉમેશને પણ બે ત્રણ લાફા મારી દીધા હતા.ત્રણ પૈકી એકે રાજુભાઈને હાથકડી પહેરાવી કેટલા દિવસથી અહીં આવે છે, ચાલ પોલીસ સ્ટેશન તને લઈ જાઉં તેમ કહેતા રાજુભાઈ ગભરાઈ ગયા હતા. ત્રણેયે પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે રૂ.3 લાખની માંગણી કરી હતી અને રકઝક બાદ રૂ.75, હજાર લેવા તૈયાર થતા સેફ ડીપોઝીટમાંથી પૈસા લેવા માટે રાજુભાઈની હથકડી ખોલી હતી.ત્યાર બાદ રાજુભાઈ, ઉમેશ અને ત્રણ પૈકી એક બાઈક ઉપર પૈસા લેવા આંબાતલાવડી એવલોન બિલ્ડિંગની પાછળ ગયા ત્યારે અન્ય બે મોપેડ ઉપર સાથે આવ્યા હતા.
રાજુભાઈએ પુત્રને ફોન કરી સેફની ચાવી મંગાવી રૂ.75 હજાર ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપતા ઉમેશ ત્રણેય સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો.બાદમાં ખ્યાલ આવતા રાજુભાઈએ ગત મોડીરાત્રે આ અંગે મિત્ર ઉમેશ, મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર ત્રણ અજાણ્યા વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈના મિત્ર ઉમેશની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.વધુ તપાસ પીએસઆઈ આર.એમ.રાઠોડ કરી રહ્યા છે.