Get The App

CA ફાઈનલનું પરિણામ જાહેરઃ વડોદરાના બે વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
CA ફાઈનલનું પરિણામ જાહેરઃ વડોદરાના બે વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં 1 - image


ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડે એકાઉન્ટન્સ દ્વારા નવેમ્બર મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ ગુરુવારની મોડી રાતે જાહેર થયું હતું.વડોદરાના બે વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે.જેમાં માંજલપુર વિસ્તારમાં રહેતા નૈષધ વૈદ્યે દેશમાં ૯મો અને નવાબજાર વિસ્તારમાં રહેતી પ્રિયંકા શાહે ૪૭મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

મળતી વિગતો પ્રમાણે વડોદરા ચેપ્ટરના ૬૭૫ વિદ્યાર્થીઓએ અલગ-અલગ ગુ્રપની અથવા તો એક સાથે બે ગુ્રપની પરીક્ષા આપી હતી અને કુલ ૧૮.૬૭ ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. તેમાં પણ એક સાથે બંને ગુ્રપની પરીક્ષા આપનારા ૩૦૫માંથી ૩૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે.આ વર્ષે પરિણામ ઉંચું આવ્યું હોવાથી વડોદરામાંથી ૭૦ કરતા વધારે વિદ્યાર્થીઓને સીએની ડિગ્રી મળી હોવાનો અંદાજ છે.

CA ફાઈનલનું પરિણામ જાહેરઃ વડોદરાના બે વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં 2 - image

મોડી રાત સુધી કે વહેલી સવારે ઉઠીને વાંચતો નહોતો 

૪૭૬ માર્કસ  સાથે શહેરમાં પ્રથમ અને દેશમાં નવમો  રેન્ક મેળવનાર નૈષધ વૈદ્યે એક વાતચીતમાં કહ્યું હતું કે, ઈન્ટર્નશિપ બાદ ૬ મહિનાની રજામાં પ્લાનિંગ કરીને તૈયારી કરી હતી.સફળતા માટે મહેનત, સાતત્યની સાથે પૂરતો આરામ અને ઉઁઘ પણ જરુરી છે.હું વાંચવા માટે ક્યારેય વહેલી સવારે ઉઠતો નહોતો અને મોડી રાત સુધી જાગતો નહોતો.પહેલા જ પ્રયત્નમાં સફળતા મળી છે.મારા પિતા જીઈબીમાં એન્જિનિયર છે અને  મમ્મી હાઉસવાઈફ છે.હવે હું કોઈ મોટી ફર્મમાં નોકરી કરવા માગું છું.

માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરુરી 

૪૨૭ માર્કસ સાથે શહેરમાં બીજો  અને દેશમાં ૪૭મો રેન્ક મેળવાર પ્રિયંકા શાહના પિતા નવાબજાર વિસ્તારમાં હેન્ડલૂમની દુકાન ચલાવે છે.તેણે કહ્યું હતું કે, સફળતા માટે માનસિક રીતે પણ સ્વાસ્થ્ય સારુ રહે તે જરુરી છે.જ્યારે પણ હતાશા જેવું અનુભવાય ત્યારે હું મેડિટેશન કરતી હતી અને ગમતા પુસ્તકો વાંચતી હતી.મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરીને તમે  હળવા રહી શકો છો.મેં ગત વર્ષે જ એમ.એસ.યુનિવર્સિટીમાં બીકોમનો અભ્યાસ પૂરો કર્યો હતો અને તેમાં પણ મને ગોલ્ડ મેડલ મળ્યો હતો.


Google NewsGoogle News